Himatnagar: હરણાવ નદીમાં નવા નીર આવ્યા, ધરોઈ ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવક

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા સાર્વત્રિક વરસાદને કારણે ધરતી પુત્રો સહિત આમ પ્રજાને રાહત થઈ છે ત્યારે શનિવારે દિવસ દરમિયાન વિજયનગર તાલુકામાં 01 મીમી, ઈડરમાં 09, હિંમતનગરમાં 04, પ્રાંતિજમાં 06 અને તલોદ તાલુકામાં 11 મીમી વરસાદ પડયા બાદ વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધી ગયું હતું. જોકે ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે પાણી ભરાતાં અનેક વિસ્તારોમાં માંખી, મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 45 મિમી, વિજયનગરમાં 14 મિમી, વડાલીમાં 55 મિમી, ઇડરમાં 66 મિમી, હિંમતનગરમાં 27 મિમી, પ્રાંતિજમાં 56 મિમી, તલોદમાં 87 મિમી અને પોશીનામાં 41 મિમી વરસાદ નોંધાયો હતો.

સતત પડી રહેલા વરસાદને કારણે ખેડબ્રહ્મા તાલુકામાંથી પસાર થતી હરણાવ નદીના ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ નદીમાં નવા નીરની આવક શરૂ થઈ હતી. હરણાવ નદી વિજયનગરથી આગળ જઈને સાબરમતી નદીને મળે છે ત્યારે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારો માટે આર્શીવાદરૂપ ધરોઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. જેથી ખેડબ્રહ્મામાં રહેતા લોકોએ પાણીના વધામણાં કર્યા હતા. શુક્રવારે રાત્રે પ્રાંતિજમાં પોણો ઇંચ વરસાદ પડયો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં છૂટાછવાયા ઝાપટાં પડયા હતા. દરમિયાન શુક્રવારે રાત્રે હિંમતનગરના બેરણા રોડ પર વરસાદને કારણે ભુવો પડતાં એક કાર તેમાં ફસાઈ ગઈ હતી. ધરોઈ જળાશયમાં પાણીની આવક શરૂ થતાં હાલ ધરોઈ ડેમ 45 ટકા ભરાયો છે અને ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. તો બીજી તરફ ડીઝાસ્ટર વિભાગના સૂત્રોના જણાવાયા મુજબ, શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં તમામ તાલુકાઓમાં સરેરાશ 2 મીમીથી અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. સીઝનમાં કુલ વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ તલોદ તાલુકામાં અંદાજે 357 મીમી, પ્રાંતિજમાં 345 મીમી, હિંમતનગરમાં 253, ઈડરમાં 174, વડાલીમાં 130, વિજયનગરમાં 235, ખેડબ્રહ્મામાં 110 અને પોશીના તાલુકામાં 180 મીમી વરસાદ પડી ચૂકયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Idar: ઈડર તાલુકાના વસાઈમાં પાર્લરમાંથી ચોરી થતાં ફરિયાદ

હિંમતનગર : ઈડર તાલુકાના વસાઈ ગામે આવેલ દૂધ મંડળીની બાજુમાં આવેલ પાર્લરમાંથી 21 દિવસ અગાઉ અજાણ્યા રૂ.8200ની મત્તાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ શુક્રવારે ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી. આ અંગે વસાઈ ગામના દિપક નાથુભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.4મી જુલાઈની રાત્રે અજાણ્યા શખ્સોએ દૂધ મંડળીની બાજુમાં આવેલ પાર્લરમાં પ્રવેશી ટેબલના ડ્રોઅરમાં મુકેલ રૂ.8200ની મત્તા ચોરી કરી લઈ ગયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Himatnagar: સાબરકાંઠા જિલ્લા પોલીસે સજા વોરંટમાં નાસતા ફરતા પાંચને ઝડપી લીધા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ-ડિવીઝન તથા ઈડર પોલીસ સ્ટેશનની હદમાંથી શુક્રવારે સ્થાનિક પોલીસે સજાના વોરંટમાં નાસતા ફરતા પાંચ જણાને ઝડપી લીધા હતા.

આ અંગેની વિગત એવી છે કે, એ-ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાં સજાના વોરંટના ઈન્દ્રસિંહ અમરસિંહ પરમારને પોલીસે છાપરીયા ચાર રસ્તાથી ઝડપી લીધો હતો. તેજ પ્રમાણે ગાયત્રી મંદિર રોડ પર આવેલ વાઘેલા વાસમાં રહેતા મહેશ ભીખાભાઈ વાઘેલાને પણ સજાના વોરંટમાં એ-ડિવીઝન પોલીસે મહાવીરનગર સર્કલ નજીકથી શુક્રવારે પકડીને ઘટતી કાર્યવાહી કરવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લવાયો હતો. આ ઉપરાંત ઈડર તાલુકાના બડોલી ગામના કાળાભાઈ બાલાભાઈ રાવળ, સુધાબેન વિનોદભાઈ રાવળ અને વિનોદ લલ્લુભાઈ રાવળ વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદ બાદ તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજર થતાં ન હતા જેથી કોર્ટે તેમને ઝડપી લેવા માટે સજા વોરંટ જારી કર્યું હતું જે આધારે ઈડર પોલીસે આ ત્રણેયને બડોલીમાં આવેલ તેમના ઘરેથી ઝડપી લીધા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Suratમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

સુરત શહેરમાં ભારે વરસાદ અને પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સુરતની મુલાકાતે આવ્યા છે. પૂર પ્રભાવિત નાગરિકોની મુશ્કેલીઓ જાણવા અને સ્થિતિનો તાગ મેળવવા માટે તેમણે સુરતના વિવિધ વિસ્તારોમાં જાતે જઈને પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ મુખ્યત્વે ઋષિવિહાર, કાંગારૂ સર્કલ અને પર્વત પાટિયા જેવા ભારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી.

સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા

આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રીની સાથે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. મંત્રીએ સ્થળ પર જ અધિકારીઓ સાથે બેઠક યોજીને હાલ ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. પૂરના પાણી ઓસર્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં સર્જાયેલી મુશ્કેલીઓ અને લોકોને પડી રહેલી અગવડતાઓ વિશે તેમણે તંત્ર પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.

જનજીવન વહેલી તકે સામાન્ય બનાવવા કામ કરવા તાકીદ

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન, પીવાના પાણીની શુદ્ધિ અને રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવે. તેમણે નાગરિકોનું જનજીવન વહેલી તકે રાબેતા મુજબ અને સામાન્ય બને તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા તાકીદ કરી હતી. સરકાર દ્વારા અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવાની ખાતરી પણ આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Porbandar જિલ્લા પંચાયતમાં નારી શક્તિ વંદન અધિનિયમનો ઉલાળિયો, બાંધકામ સમિતિના મહિલા ચેરમેનની ખુરશી પર અગ્રણી બિરાજમાન!

પોરબંદર જિલ્લા પંચાયતમાં વિવાદનો નવો મધપૂડો છંછેડાયો છે. બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રિદ્ધિબેન અરસીભાઈ ખુંટીની નિમણૂંક કરવામાં આવી છે. જોકે, ચાર્જ સંભાળવાના પ્રસંગે જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચેરમેનના પતિ અરસીભાઈ ખુંટી દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં ચેરમેનની મુખ્ય ખુરશી પર પોરબંદરના રાજકીય અગ્રણી ભીમા દુલા ઓડેદરા બેઠેલા જોવા મળે છે, જ્યારે બાજુની ખુરશીમાં ચેરમેનના પતિ અરસી ખુંટી પોતે બિરાજમાન છે! આ આખી તસવીરમાં નવનિયુક્ત મહિલા ચેરમેન રિદ્ધિબેન ક્યાંય નજરે પડતા નથી.

સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો: “ચાર્જ સંભાળ્યો”

વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે આ ફોટો સાથે સોશિયલ મીડિયામાં એવું લખાણ લખવામાં આવ્યું કે “ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો છે”. ખરેખર જેમના નામે હોદ્દો અને જવાબદારી છે તે મહિલા જનપ્રતિનિધિની ગેરહાજરીમાં અન્ય અગ્રણી અને પતીદેવ દ્વારા ખુરશી પર કબજો જમાવી ચાર્જ સંભાળવાનો દાવો કરાતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

શું હજુ પણ ‘પતિ રાજ’ કે ‘પાવર પોલિટિક્સ’ યથાવત?

કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓને રાજકારણ અને સત્તામાં સમાન ભાગીદારી આપવા માટે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ જેવા ઐતિહાસિક કાયદાઓ લાવવામાં આવી રહ્યા છે, ત્યારે પોરબંદર જિલ્લા પંચાયતનો આ કિસ્સો મહિલા સશક્તિકરણના દાવાઓ સામે મોટો સવાલ ઊભો કરે છે. સ્થાનિક સ્તરે હવે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે શું પોરબંદરમાં મહિલા સભ્યો માત્ર કાગળ પર જ ચેરમેન રહે છે અને વાસ્તવિક સત્તા ‘પતિ રાજ’ કે અન્ય વગદારો જ ભોગવે છે?

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Suratના વેલંજામાં પૂર અસરગ્રસ્ત પરિવારોનું સુરક્ષિત સ્થળાંતર, પ્રાથમિક શાળામાં આશરો આપી ફૂડ પેકેટ અને રાહત સામગ્રીનું વિતરણ

Suratના વેલંજામાં પૂર અસરગ્રસ્ત પરિવારોનું સુરક્ષિત સ્થળાંતર, પ્રાથમિક શાળામાં આશરો આપી ફૂડ પેકેટ અને રાહત સામગ્રીનું વિતરણ

સુરત શહેર અને જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે કામરેજ/સુરત ગ્રામ્ય વિસ્તારના વેલંજા પંથકના અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરીને અસરગ્રસ્ત પરિવારોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

વેલંજા પ્રાથમિક શાળા બન્યું આશ્રયસ્થાન

સ્થળાંતરિત કરવામાં આવેલા તમામ અસરગ્રસ્ત પરિવારોને વેલંજાની પ્રાથમિક શાળા ખાતે સુરક્ષિત આશરો આપવામાં આવ્યો છે. અહીં આશ્રય લઈ રહેલા લોકો માટે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રહેવા તેમજ જમવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આપત્તિના સમયમાં લોકોને કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર સતત કાર્યરત જોવા મળી રહ્યું છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ લીધી મુલાકાત

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ડીસીપી (DCP) લગધીરસિંહ ઝાલા, એસીપી (ACP) પાર્થ ચૌવટિયા, પીઆઈ ગૌસ્વામી અને પીએસઆઈ ડી. ડી. રાઠોડ સહિતના પોલીસ કાફલાએ વેલંજા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ આશ્રયસ્થાને પહોંચીને અસરગ્રસ્ત પરિવારો સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ, ધડાકા સાથે અફરાતફરીનો માહોલ, જુઓ Video

પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ, ધડાકા સાથે અફરાતફરીનો માહોલ, જુઓ Video

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર નજીક ચડોતરમાં વીજ કેબલમાં ભયાવહ આગ લાગતા સ્થાનિકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. વીજળીના થાંભલા પર કેબલમાં આગ લાગવાના કારણે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં ધડાકાભેર બ્લાસ્ટ સાથે વીજ કેબલ સળગવા લાગ્યા હતા, જેના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

લગભગ બે કલાક સુધી વીજ કેબલ સળગતા રહ્યા, જેનાથી લોકોમાં ચિંતા અને ભય વધ્યો હતો. આ ઘટનાની જાણ થતા યુ.જી.વી.સી.એલ. (UGVCL)ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ ભયાવહ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ચાલુ વરસાદની મોસમમાં આવા દ્રશ્યો જોઈને કોઈ પણ વ્યક્તિ ડરી જાય તે સ્વાભાવિક છે. વીજ કેબલમાં આગ લાગવાના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, જે ભયાનકતા દર્શાવે છે. UGVCLની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી.

નવસારીમાં કોસ્ટગાર્ડ દ્વારા છાપરા પર ફસાયેલા લોકોનું હેલિકોપ્ટર વડે દિલધડક એર રેસ્ક્યુ ઓપરેશન, જુઓ Video

Mehsanaના ખેરાલુમાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ, રૂપેણ નદીમાં નવા નીર આવતાં બાલાપીર-મુક્તિધામ રોડ પર પાણી ફરી વળ્યા

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં સાડા ચાર ઈંચથી વધુ ભારે વરસાદ નોંધાયો છે. મુશળધાર વરસાદના પગલે ખેરાલુમાંથી પસાર થતી રૂપેણ નદીમાં નવા નીરની સપાટીમાં મોટો વધારો થયો છે. રૂપેણ નદીમાં પાણીની ભારે આવક થતાં નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર ફરી વળ્યા છે, જેના કારણે ખેરાલુ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે.

બાલાપીરથી મુક્તિધામ રોડ પર પાણી ભરાતાં લોકો પરેશાન

રૂપેણ નદીમાં આવેલા નવા નીરના કારણે શહેરના બાલાપીર વિસ્તારમાં આવેલા મુખ્ય રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે. બાલાપીરથી મુક્તિધામ તરફ જતો આખો રોડ જળમગ્ન થઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને શ્રદ્ધાળુઓ તથા રાહદારીઓને પણ અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

નગરપાલિકાના અણઘડ વહીવટ સામે આક્રોશ

આ સમસ્યા પાછળ સ્થાનિકો ખેરાલુ નગરપાલિકાની ઘોર બેદરકારી અને અણઘડ વહીવટને જવાબદાર ઠેરવી રહ્યા છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા રૂપેણ નદી પર જે આરસીસી (RCC) રોડ બનાવવામાં આવ્યો છે, તેના નીચે અત્યંત નાના ગરનાળા મૂકવામાં આવ્યા છે. ગરનાળા નાના હોવાને કારણે પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી અને પાણી રોડ પર ફરી વળે છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા આ બેદરકારી સુધારીને તાત્કાલિક ધોરણે રોડ નીચે મોટા ગરનાળા મૂકવામાં આવે જેથી કાયમી ધોરણે પાણીનો નિકાલ થઈ શકે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Ahmedabad News: શહેરમાં ચોમાસા ભૂવા અને રોડ બેસી જવાની 16માંથી 14 કામગીરી પૂર્ણ

અમદાવાદ મનપામાં આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતાં. જેમાં શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરી, નવી ફૂટપાથ,નવા બ્રિજ સહિતના વિકાસ કામો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. શહેરમાં ચોમાસા પહેલા ભૂવા અને રોડ બેસી જવાની ઘટનાઓ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે વધુ વિગતો જણાવી હતી. 

હાલમાં ગોતામાં બે સ્થળે કામગીરી ચાલુ છે

અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે કહ્યું હતું કે, શહેરમાં ચોમાસા પહેલા પડેલા ભુવા અને રોડ બેસી જવાની ઘટનાઓમાં 16માંથી 14 જગ્યાઓ પર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં ગોતામાં બે સ્થળે કામગીરી ચાલુ છે. આ ઉપરાંત સેટલમેન્ટની 42 જગ્યાઓ પર કામ ચાલુ છે. તંત્રને બેરિકેટિંગ કરીને કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી કામગીરી કરાશે.  

રોડના પરના દબાણો પણ દૂર કરવામાં આવશે

તેમણે વધુમાં કહ્યું હતું કે, શહેરમાં ફૂટપાથ અંગે નવી સૂચના જાહેર કરવામાં આવી છે. તમામ ફૂટપાથ હવે નાની બનાવવામાં આવશે. તમામ વિસ્તારોમાં હવે એક જ સાઈઝ રહેશે. કુબેરનગર અંડરપાસ પાસે ITI વિદ્યાર્થીઓ માટે ફૂટ ઓવરબ્રિજ બનાવાશે. 8 મીટર રોડ ખુલ્લો કરવા દબાણ હટાવાશે.અહીં ટ્રાફિક વ્યવસ્થા સરળ કરવા સૂચના આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: ગરમીને કારણે ખેડૂતોના પાક સુકાવાની ભીતિ, પાણી અને વીજળી માટે મુખ્યમંત્રીને રજૂઆત

Bhavnagar News: ગારીયાધાર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકા અને તેના ગ્રામ્ય વિસ્તારોમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર પંથકમાં લાંબી પ્રતીક્ષા બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ચાલુ ચોમાસાની સિઝનનો આ પ્રથમ નોંધપાત્ર વરસાદ હોવાથી સ્થાનિક ગ્રામજનો અને ખાસ કરીને ધરતીપુત્રોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું

ગારીયાધાર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ભારે બફારાથી લોકો ત્રાસી ગયા હતા. દરમિયાન ગુરૂવાર બપોર બાદ અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ પ્રથમ વરસાદના આગમન સાથે જ સમગ્ર પંથકમાં અદભુત ઠંડક પ્રસરી ગઈ છે, અને લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.

આ ગામોમાં 1 થી દોઢ ઈંચ વરસાદ

મળતી માહિતી અનુસાર ગારીયાધાર તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. ખાસ કરીને સમઢીયાળા, ડમરાળા, ભંડારીયા, રૂપાવટી, સાતપડા અને સારંગપુરમાં ભારે વરસાદ નોંધાયો છે. આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 1 થી દોઢ ઈંચ જેટલો પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. એકસાથે પડેલા આ સારા વરસાદને કારણે ગામડાના સ્થાનિક બજારો અને શેરીઓમાં પાણી વહેતા થયા હતા.

જગતનો તાત ખુશખુશાલ

ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ખેતરોમાં પણ પાણી વહી નીકળ્યા હતા. ચાલુ સિઝનનો આ પહેલો અને સારો વરસાદ હોવાથી ખેતી માટે આ પાણી આશીર્વાદરૂપ સાબિત થશે. લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ કૃપા અર્શાવતા જગતનો તાત હવે ખુશી-ખુશી અને ઉત્સાહભેર વાવણી સહિતના ખેતીના કામોમાં જોતરાઈ ગયો છે.

આ પણ વાંચો – Bhavnagar મેડિકલ કોલેજમાં સિનિયરોના આતંકથી ફફડી ઉઠ્યા વિદ્યાર્થીઓ, કોલેજ કેમ્પસમાં ચુસ્ત માહોલ