Gandhinagar News : ગુજરાતમાં ધોરણ 2 થી 11ના 32 પુસ્તક બદલાશે, હવે રોબોટિકસ અને AIનો યુગ

રાજ્યની શાળાઓમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિવિધ માધ્યમોના કુલ ૩૨ પાઠ્યપુસ્તકો સંપૂર્ણપણે બદલવામાં આવ્યા છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ થી અમલી બનનારા આ નવા પાઠ્યપુસ્તકોમાં ભાષા, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

ખાસ કરીને કોમ્પ્યુટર વિષયમાં થયેલો ફેરફાર સૌથી નોંધપાત્ર છે

ધોરણ ૯ અને ૧૧માં વર્ષ ૨૦૧૩-૧૪ થી ચાલી આવતા જૂના પુસ્તકોના સ્થાને હવે ૧૩ વર્ષ બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેવા વિષયોનો અભ્યાસક્રમ દાખલ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક વિભાગની વાત કરીએ તો, ધોરણ-૨માં ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષામાં ‘વાચનમાળા’ નામની ચોપડી તેમજ ધોરણ-૩માં ‘ગણિત મેળો’ અને ‘આપણી અદ્ભૂત દુનિયા’ (પર્યાવરણ)ના નવા પુસ્તકો વિદ્યાર્થીઓના હાથમાં જોવા મળશે. ધોરણ-૬માં ‘ગણિત પ્રકાશ’ અને વિજ્ઞાનમાં ‘કુતૂહલ’ નામથી નવા પુસ્તકો તૈયાર કરાયા છે. આ ફેરફારો માત્ર ગુજરાતી માધ્યમ પૂરતા મર્યાદિત નથી, પરંતુ અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં પણ સમાન ધોરણે કુલ ૩૨ પુસ્તકોની નવી શ્રેણી અમલી બનશે.

ચાલુ વર્ષથી ધોરણ-7માં નવું સમગ્ર પુસ્તક અમલમાં આવશે

મહત્વનું છે કે, ધોરણ ૭ અને ૮ના અંગ્રેજી તેમજ હિન્દી માધ્યમના પુસ્તકોમાં ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ના પાયાના મૂલ્યોનો સમાવેશ કરીને નૈતિક શિક્ષણને વેગ આપવાનો પ્રયાસ કરાયો છે. અત્યાર સુધી ધોરણ-૬ થી ૮માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું એક સમાન પુસ્તક ભણાવવામાં આવતું હતું, પરંતુ હવે ચાલુ વર્ષથી ધોરણ-૭માં નવું સમગ્ર પુસ્તક અમલમાં આવશે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : LPG સિલિન્ડર બુકિંગના નિયમમાં કોઇ ફેરફાર નહી, અફવાઓ પર ધ્યાન ન આપવા સરકારની અપીલ

Leave a Comment