Gandhinagar News: ગિફ્ટ સિટીએ મહિલા ફિનટેક સ્ટાર્ટઅપ્સ માટે એક્સીલરેટર લોન્ચ કર્યું, જાણો પ્રોગ્રામની વિશેષતાઓ

ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર, ગિફ્ટ સિટી દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇનોવેશન હબ હેઠળ ‘વિમેન ઇન ફિનટેક એક્સીલરેટર’ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ ફિનટેક ક્ષેત્રમાં મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ્સને મજબૂત બનાવવાનો છે.

મહિલા સ્ટાર્ટઅપ્સને મળશે વૈશ્વિક મંચ

આ પ્રોગ્રામ ખાસ કરીને એવા પડકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે, જેનો સામનો મહિલા સ્થાપકો અવારનવાર કરે છે, જેમ કે સંસ્થાગત મૂડી સુધી મર્યાદિત પહોંચ અને રોકાણકારો સાથેના જોડાણનો અભાવ. આ એક્સીલરેટર એક ‘ઇન્વેસ્ટમેન્ટ રેડિનેસ પ્રોગ્રામ’ તરીકે કામ કરશે, જે સ્ટાર્ટઅપ્સને ફંડિંગ મેળવવા માટે સજ્જ કરશે.

ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ સંજય કૌલે જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય એક એવી સર્વસમાવેશક ઇકોસિસ્ટમ બનાવવાનો છે, જ્યાં મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ્સને માત્ર મૂડી જ નહીં, પરંતુ ટકાઉ વિકાસ માટે જરૂરી ક્ષમતા અને માર્ગદર્શન પણ મળે.

પ્રોગ્રામની વિશેષતાઓ

હાઇબ્રિડ મોડલ: આ કાર્યક્રમ ઇન-પર્સન (રૂબરૂ) અને વર્ચ્યુઅલ એમ બંને રીતે ચલાવવામાં આવશે.

મેન્ટરશિપ અને નેટવર્કિંગ: નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અને રોકાણકારો સાથે સીધું મેચમેકિંગ કરવામાં આવશે.

વ્યાપક અનુભવ: છેલ્લા એક વર્ષમાં GIFT IFIH એ બેંકિંગ, રેગટેક અને ઇન્સ્યોરટેક જેવા ક્ષેત્રોમાં 37 થી વધુ સ્ટાર્ટઅપ્સને સફળતાપૂર્વક ટેકો આપ્યો છે.

આ પહેલ દ્વારા ગિફ્ટ સિટી માત્ર ટેકનોલોજી જ નહીં, પણ સમાન તકો પૂરી પાડતું ગ્લોબલ ફિનટેક હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ એક્સીલરેટર ભારતના ફાઇનાન્શિયલ સેક્ટરમાં મહિલાઓની ભાગીદારી વધારવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

આ પણ વાંચો – Gandhinagar News: ચોમાસુ શરૂ થાય એટલે દેડકાં પંજાબ અને દિલ્હીથી ગુજરાતમાં આવે છે : જગદીશ વિશ્વકર્મા

Leave a Comment