Mehsana : દારૂડિયા માટે બનાવેલા પાંજરામાં કાકાની બોણી! કૂતૂહલ પડ્યું ભારે

સોશિયલ મીડિયાના જમાનામાં ક્યારે કઈ ઘટના વાયરલ થઈ જાય તે કહેવું મુશ્કેલ છે, પણ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાન્છા ગામની એક રમુજી ઘટનાએ અત્યારે સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે. ગામમાં દારૂડિયાઓને પાઠ ભણાવવા માટે બનાવવામાં આવેલું લોખંડનું પાંજરું અચાનક એક નિર્દોષ મહેમાન માટે ‘જેલ’ બની ગયું હતું.

શું હતી સમગ્ર ઘટના?

પાન્છા ગામના ગ્રામજનોએ ગામમાં દારૂ પીને છાકટા બનતા અને શાંતિ હણતા તત્વોને ઠેકાણે લાવવા માટે એક નવતર પ્રયોગ કર્યો હતો. ગામની વચ્ચે એક મજબૂત લોખંડનું પાંજરું તૈયાર કરવામાં આવ્યું હતું, જેથી દારૂડિયો પકડાય તો તેને ત્યાં પૂરી શકાય. જોકે, આ પાંજરાનું ‘ઉદ્ઘાટન’ કોઈ દારૂડિયાએ નહીં, પણ બાજુના ગામથી આવેલા એક રમુજી સ્વભાવના કાકાએ કર્યું!

કાકા મસ્તીમાં પાંજરાની અંદર ગયા

બન્યું એવું કે, આ કાકા પાન્છા ગામે મહેમાન ગતિએ આવ્યા હતા. નવું નકોર લોખંડનું પાંજરું જોઈ તેમને કુતૂહલ થયું. રમૂજમાં તેમણે કહ્યું, “જોઈએ તો ખરા, આમાં અંદર કેવું લાગે છે!” એમ કહી કાકા મસ્તીમાં પાંજરાની અંદર ગયા.

મજાક પડી ગઈ ભારે!

કાકા જેવા અંદર ગયા કે તરત જ ત્યાં હાજર રહેલા એક યુવાનને મજાક સૂઝી અને તેણે બહારથી પાંજરાનો દરવાજો બંધ કરી દીધો. થોડીવાર પહેલા જે કાકા હસતા હસતા અંદર ગયા હતા, તે હવે ખરેખર કેદી બની ગયા હોય તેમ મુંઝવણમાં મુકાઈ ગયા. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો ખડખડાટ હસી પડ્યા હતા. જોકે, થોડીવાર બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, પણ ત્યાં સુધીમાં તો આ ‘સ્પેશિયલ ગેસ્ટ’નો વીડિયો કેમેરામાં કેદ થઈ ચૂક્યો હતો.

સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતો વીડિયો

આ રમુજી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતા લોકો જાતભાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે “બોહણી તો કાકાએ જ કરાવી!” આ કિસ્સો અત્યારે મહેસાણા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

આ પણ વાંચો—-     Gandhinagar : રાજ્યમાં નવા વીજ દરની જાહેરાત, સ્માર્ટ મીટર ધારકો અને દિવસના વપરાશકર્તાઓને થશે મોટો ફાયદો

Leave a Comment