Valsad: કપરાડામાં ટ્રક સળગવાની ઘટનામાં મોટો વળાંક, 900 બેગ પ્લાસ્ટિકના દાણા વેચી પુરાવા નાશ કરવા ટ્રકને આગ ચાંપી

કપરાડામાં થોડા દિવસ અગાઉ કુંભઘાટ પાસે પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક સળગી જવાની ઘટનામાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. કપરાડા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું છે કે, આ કોઈ આકસ્મિક આગ નહોતી પરંતુ લાખોની કિંમતનો માલ બારોબાર વેચી માર્યા બાદ પુરાવા નાશ કરવાનું એક પૂર્વ આયોજિત કાવતરું હતું.

પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ

ઘટનાની વિગત મુજબ, કપરાડાના કુંભઘાટ પાસે પ્લાસ્ટિકના દાણા ભરેલી એક ટ્રક રહસ્યમય સંજોગોમાં સળગી ગઈ હતી. શરૂઆતમાં ટ્રકના ડ્રાઇવરે આને અકસ્માત ગણાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને ડ્રાઇવરની વાતોમાં શંકા જણાતા તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.

900 બેગ બારોબાર વેચી મારી

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરીને નીકળેલી આ ટ્રકમાંથી આરોપીઓએ રસ્તામાં જ 900 જેટલી બેગ બારોબાર વેચી મારી હતી. માલ સગેવગે કર્યા બાદ કંપની અને પોલીસને ખબર ન પડે તે માટે બાકી રહેલી થોડી બેગ સાથે ટ્રકને કુંભઘાટ પાસે લઈ જઈને જાણીજોઈને આગ ચાંપી દેવામાં આવી હતી. કપરાડા પોલીસે આ મામલે ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. 

આ પણ વાંંચો: Surat: સારોલીમાં કાપડના વેપારી સાથે 12.23 લાખની છેતરપિંડી, મહારાષ્ટ્રના પિતા-પુત્રએ 4 વર્ષ વિશ્વાસ કેળવી ખેલ પાડ્યો


Leave a Comment