ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે નેતાઓ માટે જનતા વચ્ચે જવું હવે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં એક સોસાયટીની સભા દરમિયાન કોંગ્રેસના સ્થાનિક નેતાઓને મતદારોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને કરવામાં આવેલા વિવાદિત નિવેદનનો પડઘો અહીં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
“લાફો મારીને માફી માંગું તો ચાલે?” – મતદારોનો વેધક સવાલ
અસારવાની એક સોસાયટીમાં જ્યારે કોંગ્રેસના નેતાઓ પ્રચાર અર્થે સભા કરી રહ્યા હતા, ત્યારે સ્થાનિક રહીશોએ તેમને અટકાવીને સવાલોનો મારો ચલાવ્યો હતો. મતદારોએ પૂછ્યું હતું કે, તમે વર્ષોથી ગુજરાતમાં રહીને રાજકારણ કરો છો, તો તમારા નેતા ખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ કેમ કહ્યા? શું આ ગુજરાતનું અપમાન નથી?
…તો શું એ તમને ચાલશે?
સ્થિતિ વણસતી જોઈને કોંગ્રેસ નેતાએ બચાવ કરવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે, તેમણે (ખડગેએ) આ બાબતે માફી માંગી લીધી છે. જોકે, આ સાંભળીને એક મતદાર વધુ રોષે ભરાયો હતો અને વળતો સવાલ કર્યો હતો કે, જો હું તમને જાહેરમાં લાફો મારી દઉં અને પછી માફી માંગી લઉં, તો શું એ તમને ચાલશે? મતદારના આ વેધક સવાલે કોંગ્રેસના નેતાઓને નિરુત્તર કરી દીધા હતા.
શું હતો સમગ્ર વિવાદ?
તાજેતરમાં કેરળમાં એક ચૂંટણી રેલી દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કેરળના મતદારોની સરખામણી ગુજરાત સાથે કરતા વિવાદિત ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કથિત રીતે ગુજરાતીઓને ‘ઓછા ભણેલા’ અથવા ‘અભણ’ કહ્યા હોવાનો આક્ષેપ થયો હતો. જોકે, ભારે વિરોધ બાદ ખડગેએ સ્પષ્ટતા કરી હતી કે, તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે, અને તેમણે ખેદ પણ વ્યક્ત કર્યો હતો, પરંતુ ગુજરાતની જનતામાં હજુ પણ આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
https://x.com/sandeshnews/status/2047206862517596236
અસારવાની આ ઘટના સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે, જે દર્શાવે છે કે, આગામી દિવસોમાં કોંગ્રેસ માટે ગુજરાતના મતદારોને રિઝવવા મુશ્કેલ બની શકે છે.
આ પણ વાંચો – Local body election: રાજકોટ મનપા અને જિલ્લા પંચાયતમાં 800 મતદાન મથક સંવેદનશીલ