Ahmedabad News: શહેરમાં ચોમાસા ભૂવા અને રોડ બેસી જવાની 16માંથી 14 કામગીરી પૂર્ણ

અમદાવાદ મનપામાં આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતાં. જેમાં શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરી, નવી ફૂટપાથ,નવા બ્રિજ સહિતના વિકાસ કામો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. શહેરમાં ચોમાસા પહેલા ભૂવા અને રોડ બેસી જવાની ઘટનાઓ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે વધુ વિગતો જણાવી હતી. 

હાલમાં ગોતામાં બે સ્થળે કામગીરી ચાલુ છે

અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે કહ્યું હતું કે, શહેરમાં ચોમાસા પહેલા પડેલા ભુવા અને રોડ બેસી જવાની ઘટનાઓમાં 16માંથી 14 જગ્યાઓ પર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં ગોતામાં બે સ્થળે કામગીરી ચાલુ છે. આ ઉપરાંત સેટલમેન્ટની 42 જગ્યાઓ પર કામ ચાલુ છે. તંત્રને બેરિકેટિંગ કરીને કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી કામગીરી કરાશે.  

રોડના પરના દબાણો પણ દૂર કરવામાં આવશે

તેમણે વધુમાં કહ્યું હતું કે, શહેરમાં ફૂટપાથ અંગે નવી સૂચના જાહેર કરવામાં આવી છે. તમામ ફૂટપાથ હવે નાની બનાવવામાં આવશે. તમામ વિસ્તારોમાં હવે એક જ સાઈઝ રહેશે. કુબેરનગર અંડરપાસ પાસે ITI વિદ્યાર્થીઓ માટે ફૂટ ઓવરબ્રિજ બનાવાશે. 8 મીટર રોડ ખુલ્લો કરવા દબાણ હટાવાશે.અહીં ટ્રાફિક વ્યવસ્થા સરળ કરવા સૂચના આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: ગરમીને કારણે ખેડૂતોના પાક સુકાવાની ભીતિ, પાણી અને વીજળી માટે મુખ્યમંત્રીને રજૂઆત

Bhavnagar News: ગારીયાધાર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકા અને તેના ગ્રામ્ય વિસ્તારોમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર પંથકમાં લાંબી પ્રતીક્ષા બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ચાલુ ચોમાસાની સિઝનનો આ પ્રથમ નોંધપાત્ર વરસાદ હોવાથી સ્થાનિક ગ્રામજનો અને ખાસ કરીને ધરતીપુત્રોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું

ગારીયાધાર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ભારે બફારાથી લોકો ત્રાસી ગયા હતા. દરમિયાન ગુરૂવાર બપોર બાદ અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ પ્રથમ વરસાદના આગમન સાથે જ સમગ્ર પંથકમાં અદભુત ઠંડક પ્રસરી ગઈ છે, અને લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.

આ ગામોમાં 1 થી દોઢ ઈંચ વરસાદ

મળતી માહિતી અનુસાર ગારીયાધાર તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. ખાસ કરીને સમઢીયાળા, ડમરાળા, ભંડારીયા, રૂપાવટી, સાતપડા અને સારંગપુરમાં ભારે વરસાદ નોંધાયો છે. આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 1 થી દોઢ ઈંચ જેટલો પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. એકસાથે પડેલા આ સારા વરસાદને કારણે ગામડાના સ્થાનિક બજારો અને શેરીઓમાં પાણી વહેતા થયા હતા.

જગતનો તાત ખુશખુશાલ

ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ખેતરોમાં પણ પાણી વહી નીકળ્યા હતા. ચાલુ સિઝનનો આ પહેલો અને સારો વરસાદ હોવાથી ખેતી માટે આ પાણી આશીર્વાદરૂપ સાબિત થશે. લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ કૃપા અર્શાવતા જગતનો તાત હવે ખુશી-ખુશી અને ઉત્સાહભેર વાવણી સહિતના ખેતીના કામોમાં જોતરાઈ ગયો છે.

આ પણ વાંચો – Bhavnagar મેડિકલ કોલેજમાં સિનિયરોના આતંકથી ફફડી ઉઠ્યા વિદ્યાર્થીઓ, કોલેજ કેમ્પસમાં ચુસ્ત માહોલ

ChhotaUdepur News: TET ફરજિયાત કરવા સામે શિક્ષકોના સૂર ઉગ્ર, કલેક્ટરને આપશે આવેદનપત્ર!

ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં લેવામાં આવેલા એક નિર્ણયને પગલે સમગ્ર રાજ્યના શિક્ષકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્થાનિક શિક્ષકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર સામે મોરચો માંડ્યો છે.

2010 પહેલાના શિક્ષકો માટે TET કેમ?

ઘટનાની મળતી માહિતી અનુસાર, શિક્ષકોના વિરોધનું મુખ્ય કારણ સરકાર દ્વારા વર્ષ 2010 પહેલા સેવાઓમાં જોડાયેલા જૂના અને અનુભવી શિક્ષકો માટે પણ Teacher Eligibility Testની પરીક્ષા ફરજિયાત કરવાનો નિર્ણય છે. શિક્ષકોનું કહેવું છે કે, જેઓ વર્ષોથી શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યા છે, તેમની યોગ્યતા સાબિત કરવા માટે આટલા વર્ષો પછી પરીક્ષા આપવાનું દબાણ કરવું તે અન્યાયી છે.

તાલુકા શાળા નંબર 1 ખાતે જમાવડો

આ નિર્ણયના વિરોધમાં છોટાઉદેપુર નગરની તાલુકા શાળા નંબર 1 ખાતે જિલ્લાભરમાંથી સરકારી શિક્ષકો અને શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો એકત્રિત થયા હતા. હાથમાં વિરોધ દર્શાવતા બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે શિક્ષકોએ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરણા પર બેસી ગયા હતા. આ ધરણા પ્રદર્શનમાં મહિલા શિક્ષકો પણ મોટી સંખ્યામાં હાજર રહી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આગામી રણનીતિ

શૈક્ષિક મહાસંઘના અગ્રણીઓએ જણાવ્યું કે, આ માત્ર પ્રતિકાત્મક વિરોધ નથી. શિક્ષકો પોતાની માંગણીઓ સાથે એક વિશાળ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચશે અને જિલ્લા કલેક્ટરને સત્તાવાર આવેદનપત્ર સુપરત કરશે. જો સરકાર દ્વારા આ નિર્ણય તાકીદે પરત ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની અને શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કરવાની ચીમકી પણ શિક્ષક સંગઠનો દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો – Chhotaudepur: નસવાડી ખાતે ભીલ ચંદાબેન ચૂનીલાલ સાયન્સ સ્કૂલમાં વૃક્ષારોપણ કરાયું

Tapiમાં કાળનો પંજો: ઉચ્છલ તાલુકામાં સર્જાયેલા બે જુદા-જુદા અકસ્માતમાં બે બાઇક ચાલકોના કરુણ મોત

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. પહેલી ઘટના ઉચ્છલ-નિઝર હાઈવે પર આવેલા દેવચાદ બ્રિજ પાસે ઘટી હતી. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ ટેમ્પો અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ ટક્કરમાં બાઇક ચાલક મારગીયા વસાવા નામના સ્થાનિક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

ચચરબુદા ટેકરા નજીક સર્જાયો હતો અકસ્માત

બીજી કાળઝાળ ઘટના સોનગઢથી ઉચ્છલ તરફ આવતા હાઈવે પર ચચરબુદા ટેકરા નજીક નોંધાઈ હતી. અહીં બાઇક અને દૂધના ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો સખત હતો કે બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવક પડોશી રાજ્ય મહારાષ્ટ્રના શિરપુર ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં બાઇક પર સવાર અન્ય એક યુવકને પણ ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને વધુ સારવાર અર્થે તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

એક જ દિવસમાં બે મોતે અરેરાટી ફેલાવી

ઉચ્છલ તાલુકામાં ગણતરીના કલાકોમાં જ બનેલી અકસ્માતની આ બે મોટી ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. હાઈવે પર વાહનોની અનિયંત્રિત ગતિ નિર્દોષ વાહનચાલકો માટે કાળ સાબિત થઈ રહી છે. આ બંને મામલાની જાણ થતાં જ ઉચ્છલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતકોના શવને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપીને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

ગુજરાતમાં મહિલા સલામતીના દાવા વચ્ચે વિધર્મીએ સગીરાનું અપહરણ કરી બળજબરીથી કરાવ્યુ ધર્મપરિવર્તન અને કર્યા નિકાહ- VIDEO

ગુજરાતમાં મહિલા સલામતીના દાવા વચ્ચે વિધર્મીએ સગીરાનું અપહરણ કરી બળજબરીથી કરાવ્યુ ધર્મપરિવર્તન અને કર્યા નિકાહ- VIDEO

શાંત અને સુરક્ષિત રાજ્ય ગણાતા ગુજરાતમાં દિવસે દિવસે લવ જેહાદ જેવી ઘટનાઓ વધી રહી છે જે મોટો ચિંતાનો વિષય છે. રાજ્યના કોઈને કોઈ જિલ્લામાં રોજ લવજેહાદની ઘટનાઓ છાશવાર સામે આવી રહી છે. ગુજરાતમાં વધુ એક લવજેહાદનો કિસ્સો સરહદી વિસ્તાર કચ્છમાંથી સામે આવ્યો છે. જ્યા એક વિધર્મી યુવકે એક સગીર યુવતીની જિંદગી દોજખ બનાવી દીધી છે. વિધર્મી યુવક સગીર યુવતીનું અપહરણ કરી પહેલા તો તેને અજમેર લઈ ગયો. ત્યાં તેની સાથે વિધર્મીએ વારંવાર દુષ્કર્મ આચર્યુ અને અજમેરના જ એક મૌલવીની મદદ લઈ સગીર યુવતીને બળજબરીથી ધર્મપરિવર્તન કરવા પણ મજબુર કરી. ધર્મપરિવર્તન કરાવી વિધર્મી યુવક સગીરા સાથે નિકાહ કરવા માગતો હતો. લગ્ન કરવા માટે સગીરાની ઉમર ઘટતી હોવાથી યુવતીની ખોટી ઉમર દર્શાવી તેના નિકાહ કરાવ્યા હતા.

હાલ સમગ્ર મામલે પોલાસે મૌલાના સહિત બે આરોપીની ધરપકડ કરી છે. કોર્ટે યુવકના 5 દિવસના અને મૌલવીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ લવ જેહાદના નેક્સસમાં હજુ વધુ નામો ખુલે તેવી પણ આશંકા સેવાઈ રહી છે.

જો કે અહીં સૌથી મોટો સવાલ એ છે કે આવી ઘટનાઓ પડોશી દેશ પાકિસ્તાનમાંથી અવારનવાર સામે આવે છે જ્યાં હિંદુ યુવતીઓને બળજબરી ઉઠાવી જઈ તેની મરજી વિરુદ્ધ તેનુ ધર્મપરિવર્તન કરી નાખવામાં આવે છે અને તેના મુસ્લિમ યુવક સાથે તેના નિકાહ કરી દેવામાં આવે છે ત્યાર ગુજરાત જેવા રાજ્યમાં આ પ્રકારની ઘટના રાજ્યમાં મહિલા સલામતી સામે મોટા સવાલો ખડા કરે છે.

ભાવનગર મહાનગરપાલિકાને લોકોના જીવની કંઈ પડી નથી, વર્ષોથી રખડતા ઢોરની સમસ્યા છે પરંતુ તંત્ર નથી કરી રહ્યુ કોઈ નક્કર કામગીરી

 

અમદાવાદીઓનો ‘વટ’ પડશે! લંડન-અમેરિકા જેવી સિસ્ટમ હવે C.G. રોડ પર, બટન દબાવો ને ‘ટ્રાફિક સ્ટોપ’ – જુઓ Video

અમદાવાદીઓનો ‘વટ’ પડશે! લંડન-અમેરિકા જેવી સિસ્ટમ હવે C.G. રોડ પર, બટન દબાવો ને ‘ટ્રાફિક સ્ટોપ’ – જુઓ Video

અમદાવાદ શહેરમાં રાહદારીઓની સુરક્ષાને વધુ મજબૂત કરવા અને ટ્રાફિક વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. અમેરિકા અને લંડન જેવા વિદેશી શહેરોની જેમ હવે અમદાવાદના સૌથી ધમધમતા એવા સી.જી. રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પ્રાયોગિક ધોરણે પદયાત્રીઓ માટે આધુનિક ‘પેલિકન ટ્રાફિક સિગ્નલ’ (પુશ-બટન સિસ્ટમ) ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

આ નવી વ્યવસ્થા હેઠળ, રાહદારીઓએ રોડ ક્રોસ કરવા માટે ત્યાં લગાવેલું પુશ બટન દબાવવાનું રહેશે. બટન દબાવતાની સાથે જ વાહનો માટેનું ટ્રાફિક સિગ્નલ તુરંત લાલ થઈ જશે અને વાહનો થોભી જશે, જેથી લોકો ઝેબ્રા ક્રોસિંગ પરથી સરળતાથી અને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરી શકશે.

સી.જી. રોડ પર શરૂ કરાયેલા આ પાયલોટ પ્રોજેક્ટની કામગીરી અને તેની સફળતાનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વક અવલોકન કરવામાં આવશે. જો આ પ્રાયોગિક ટ્રાયલ સફળ અને ઉપયોગી સાબિત થશે, તો ટ્રાફિક પોલીસની જરૂરિયાત અને સૂચન મુજબ આગામી સમયમાં શહેરના બીજા ભીડવાળા વિસ્તારો તથા ભારે ટ્રાફિક ધરાવતા મુખ્ય ચાર રસ્તાઓ પર પણ આવા ‘પેલિકન સિગ્નલ ઇન્સ્ટોલ’ કરવામાં આવશે.

Breaking News : ટ્રાફિક નિયમ તોડનારાઓ થઈ જજો સાવધાન ! હવે ઈ-ચલણ બાકી વાહનને બ્લોક શ્રેણીમાં મૂકાશે

Gujarat Anti Drugs Campaign: ગૃહ વિભાગનો મોટો આદેશ, શરૂ થશે ‘રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી મહાઅભિયાન’

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઝડપાઈ રહેલા ડ્રગ્સના જથ્થા અને નશાના વધતા દૂષણને સંપૂર્ણપણે ડામી દેવા માટે રાજ્ય સરકારે હવે આરપારની લડાઈ લડવાનું નક્કી કર્યું છે. ગાંધીનગર ગૃહ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાઓ, કમિશનરો અને વિવિધ સુરક્ષા એજન્સીઓને ‘રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન’ ચલાવવા માટે હાઈ-લેવલ આદેશ જાહેર કરવામાં આવ્યા છે. સરકારના આ કડક વલણથી ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

તમામ એજન્સીઓ સંયુક્ત રીતે એક્શન મોડમાં આવશે

ગૃહ વિભાગના સત્તાવાર આદેશ અનુસાર, આ અભિયાન માત્ર કાગળ પર નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર અત્યંત આક્રમક રીતે ચલાવવામાં આવશે. આ મેગા ડ્રાઈવ અંતર્ગત સ્થાનિક પોલીસ અને એન્ટી નાર્કોટિક્સ સેલ સક્રિય ભૂમિકા ભજવશે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને પણ આ અભિયાનમાં સાંકળી લેવામાં આવી છે. રાજ્યના સરહદી વિસ્તારો, દરિયાકાંઠા વિસ્તાર અને હાઈવે પર બાજ નજર રાખવામાં આવશે.

શિક્ષણ સંસ્થાઓ અને પાનના ગલ્લાઓ પર થશે સઘન ચેકિંગ

આ અભિયાનનો મુખ્ય હેતુ રાજ્યના યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવાનો છે. આ માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે, શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓની આસપાસ શંકાસ્પદ રીતે ફરતા તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત, શહેરોના મુખ્ય વિસ્તારોમાં આવેલા પાન-મસાલાના ગલ્લાઓ અને કાફેઝ પર પણ ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવશે, જ્યાં ડ્રગ્સ પેડલર્સ સક્રિય હોવાની આશંકા રહેલી છે.

ડ્રગ્સના ઓરિજિનલ સોર્સ સુધી પહોંચવા આદેશ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉચ્ચ સ્તરેથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, માત્ર નાના પેડલર્સ કે નશો કરનારાઓને પકડીને સંતોષ માનવાનો નથી, પરંતુ આ ડ્રગ્સ નેટવર્કના મુખ્ય સૂત્રધારો અને ઓરિજિનલ સોર્સ સુધી પહોંચવાનું રહેશે. ડ્રગ્સના વેચાણ અને હેરાફેરીમાં પકડાતા ગુનેગારો સામે કાયદાની કડકમાં કડક જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી તેમની મિલકતો ટાંચમાં લેવા સુધીની કાયદેસરની કાર્યવાહી કરવાના પણ સંકેત આપવામાં આવ્યા છે.

નાગરિકોને પણ સહયોગ આપવા અપીલ

સરકાર દ્વારા શરૂ કરવામાં આવનારા આ રાજ્યવ્યાપી અભિયાનને સફળ બનાવવા માટે ગૃહ વિભાગે સામાન્ય નાગરિકોને પણ અપીલ કરી છે. જો કોઈ પણ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કે શંકાસ્પદ પ્રવૃત્તિ થતી જોવા મળે, તો તાત્કાલિક સ્થાનિક પોલીસ અથવા કંટ્રોલ રૂમને જાણ કરવા જણાવાયું છે, અને માહિતી આપનાર નાગરિકનું નામ ગુપ્ત રાખવામાં આવશે, તેવી ખાતરી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો – Patan News: કોર્ટ કાર્યવાહી બાદ પરત ફરતા કિંજલ રબારીના પૂર્વ પતિ અશોક ચૌધરી પર હુમલો, 4 લોકો સામે ફરિયાદ

Breaking News: ઓમાનથી ગુજરાત સુધી ગેસ પાઇપલાઇન લગાવવાનો દાવો ખોટો, કેન્દ્ર સરકારે કરી મોટી સ્પષ્ટતા

Breaking News: ઓમાનથી ગુજરાત સુધી ગેસ પાઇપલાઇન લગાવવાનો દાવો ખોટો, કેન્દ્ર સરકારે કરી મોટી સ્પષ્ટતા

ગુજરાતથી ઓમાન અને અન્ય ખાડી દેશો સુધી સમુદ્રની અંદર ગેસ પાઇપલાઇન બિછાવવાની ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે આવી કોઈ ડીપ-સી એનર્જી પાઇપલાઇન યોજના હાલમાં સરકારના વિચારાધીન નથી.

તાજેતરમાં કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર ‘મિડલ ઈસ્ટ-ઈન્ડિયા ડીપવોટર પાઇપલાઇન’ પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે. આ પ્રસ્તાવિત પાઇપલાઇન ગુજરાતને ઓમાન અને અન્ય ખાડી દેશો સાથે સીધી ઊર્જા કનેક્ટિવિટી પૂરી પાડશે તેવી ચર્ચા હતી.

જો કે, પેટ્રોલિયમ મંત્રાલયે આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આવી કોઈ યોજના પર વિચારણા કરવામાં આવી રહી નથી. ઉપરાંત ઓમાન કે અન્ય કોઈ ખાડી દેશ સાથે આ પ્રકારના પ્રોજેક્ટ અંગે કોઈ સક્રિય ચર્ચા અથવા વાટાઘાટો પણ ચાલી રહી નથી.

મંત્રાલયે જણાવ્યું કે આ સ્પષ્ટતા બજારમાં ચાલી રહેલી અટકળો અને ગેરસમજ દૂર કરવા માટે જાહેર કરવામાં આવી છે.

બીજી તરફ ભારત મધ્ય પૂર્વમાંથી ઊર્જા પુરવઠો સતત જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છે. માલ્ટાના ધ્વજ હેઠળ ચાલતું એલએનજી વહન કરતું જહાજ ‘દિશા’ હોર્મુઝ જળમાર્ગમાંથી સુરક્ષિત રીતે પસાર થઈને ગુજરાતના દહેજ બંદર તરફ આગળ વધી રહ્યું છે. આ જહાજમાં 62,370 મેટ્રિક ટન એલએનજી છે અને તે 18 જૂને ભારત પહોંચવાની શક્યતા છે.

સરકારે જણાવ્યું છે કે ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, ભારતીય મિશનો, શિપિંગ કંપનીઓ અને અન્ય સંબંધિત સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગે પણ શિપિંગ કંપનીઓને આગામી સૂચના સુધી સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય નાવિકોની નિમણૂક ન કરવા સલાહ આપી છે. જોકે દેશના તમામ બંદરો પર હાલ કામગીરી સામાન્ય રીતે ચાલુ છે.

શું 3,450 મીટર સમુદ્રના પેટાળમાં છુપાયેલું છે ભારતની ઊર્જા સુરક્ષાનું ભવિષ્ય? જાણો ₹40,000 કરોડનો આ સિક્રેટ પ્લાન

શું બાળકોના જીવની કંઈ પડી નથી? સરકારી કાર્યક્રમમાં કલાકોથી ઉભેલા વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા છતા હોસ્પિટલે ન લઈ જવાયા- Video

શું બાળકોના જીવની કંઈ પડી નથી? સરકારી કાર્યક્રમમાં કલાકોથી ઉભેલા વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા છતા હોસ્પિટલે ન લઈ જવાયા- Video

વલસાડમાં સરકારી કાર્યક્રમમાં બોલાવાયેલા વિદ્યાર્થીઓને કલાકો સુધી તડકામાં ઉભા રાખવામાં આવતા કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. કાર્યક્રમમાં લાંબા સમય સુધી તડકામાં ઉભા રહ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ બેભાન થવા જેવા થઈ ગયા હતા. કેટલાક બેભાન પણ થયા હતા. જે બાદ વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાને બદલે ગાડીમાં જ બેસાડી રખાયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બાળકોને ઘેટાબકરાની જેમ ટેમ્પોમાં ભરીને લાવવામાં આવ્યા હતા. સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો ઉપયોગ અને તેમના જીવ સાથે ઘોર બેદરકારી દાખવતા તંત્ર સામે સવાલ ઉઠ્યા છે.

આ સમગ્ર ઘટના વલસાડ જિલ્લાના ઉમરગામના સંજાણમાં બની. જ્યાં વન વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં તુંબ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લવાયા હતા. ધારાસભ્ય રમણ પાટકર સહિતના પદાધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓ હાજર હતા. સમય કરતા કાર્યક્રમ મોડો શરૂ થતા કલાકો સુધી વિદ્યાર્થીઓને તડકામાં ઊભા રાખવામાં આવ્યા. અધુરામાં પુરું કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડ્યા બાદ તેને હોસ્પિટલ કે નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવાને બદલે ત્યાં કારમાં બેસાડી દેવાયા અને કાર્યક્રમ પત્યા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવાયા.

ત્યારે સવાલ થાય છે કે સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આ રીતે ટેમ્પોમાં ખીચોખીચ ભરીને લાવવા કેટલા યોગ્ય? તેમનો અભ્યાસનો સમય બગાડી તેમને કલાકો સુધી સરકારી કાર્યક્રમમાં હાજરી પુરવા લાવવા શું ઉચિત છે? પહેલા નિયમ ભંગ કરી એક ટેમ્પોમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરીને લાવવામાં આવ્યા? અને ત્યારબાદ એજ ટેમ્પોમાં પાછા લઈ જવાયા? શું આ રીતે સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો ઉપયોગ યોગ્ય છે

સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાલત થઈ કફોડી તે મામલે કોંગ્રેસે તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ સમગ્ર ઘટનાને વખોડી કહ્યું કે મંત્રીની હાજરીમાં બાળકને ચક્કર આવી જવા જેવી ઘટના બને તે ખુબજ ખરાબ કહેવાય. જાહેર કાર્યક્રમમાં બાળકોને લઈ જવાના હોય તો યોગ્ય કાળજી લેવી જોઈએ.

ભાવનગર મહાનગરપાલિકાને લોકોના જીવની કંઈ પડી નથી, વર્ષોથી રખડતા ઢોરની સમસ્યા છે પરંતુ તંત્ર નથી કરી રહ્યુ કોઈ નક્કર કામગીરી

 

Vadodaraના સાવલીમાં ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી: કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ સામે સરકારે લાલ આંખ કરી છે. સાવલીના કનોડા મહી નદીના પટમાં ચાલી રહેલા મોટા પાયે ગેરકાયદેસર ખનન પર ખાણ-ખનીજ વિભાગ દ્વારા અચાનક ત્રાટકીને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલા આ દરોડાથી સમગ્ર પંથકના ભૂમાફિયાઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.

કરોડો રૂપિયાની કિંમતના વાહનો અને સાધનો કરાયા સીઝ

મહી નદીના પટમાં કાયદાના લીરેલીરા ઉડાડીને કુદરતી સંપત્તિની ચોરી કરવામાં આવી રહી હોવાની ચોક્કસ બાતમી ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડને મળી હતી. જેના આધારે ટીમે સવારે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ સફળ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા બ્રેકર મશીન, હિટાચી મશીન અને અનેક ટ્રકો સહિતનો કરોડો રૂપિયાનો મુદ્દામાલ ખાણ-ખનીજ વિભાગે જપ્ત કર્યો છે. હાલમાં તમામ સાધનો અને વાહનોને કબજે લઈને આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ડેમના કોન્ટ્રાક્ટર દ્વારા જ ગેરકાયદે ખનન થતું હોવાની આશંકા

આ દરોડા પાછળ એક ચોંકાવનારી વિગત પણ સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહી નદીમાં મહી વીઅર ડેમનું નિર્માણ કાર્ય કરી રહેલા સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા જ ડેમની આડમાં આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી. જો કે, આ મામલે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં હોવાથી અને મામલો હાઈપ્રોફાઈલ હોવાના કારણે ઉચ્ચ અધિકારીઓએ હાલ કેમેરા સામે કંઈ પણ બોલવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. આગામી સમયમાં એફઆઈઆર (FIR) નોંધાયા બાદ આ કૌભાંડની વધુ વિગતો બહાર આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો