Valsad: કલવાડા ગામે બાઈક ચાલકને કારે ઉડાવ્યો, યુવાન 10 ફૂટ હવામાં ઉછળ્યો, ઘટના CCTVમાં કેદ

વલસાડ તાલુકાના કલવાડા ગામના મુખ્ય માર્ગ પરથી એક અત્યંત ભયાનક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે, જે જોઈને કોઈ પણ વાહનચાલક ધ્રુજી ઉઠે. કલવાડા ગામમાંથી પસાર થતા રોડ પર આજે એક બાઈક સવાર યુવાને રોડની બીજી બાજુ જવા માટે પોતાની બાઈક વાળી હતી. જોકે, આ દરમિયાન તેણે પાછળથી કે સામેથી આવતા અન્ય વાહનો જોવાની તકેદારી રાખી ન હતી. બાઈક સવારે જેવો અચાનક રોડ ક્રોસ કર્યો, તે જ સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બાઈકને જોરદાર ટક્કર મારી દીધી હતી.

હવામાં 10 ફૂટ ઉછળ્યો યુવાન

આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર વાગતાની સાથે જ બાઈક ચાલક યુવાન પોતાની બાઈક પરથી ફગવાઈને હવામાં અંદાજે ૧૦ ફૂટ જેટલો ઊંચો ઉછળ્યો હતો અને રોડ પર ધડાકાભેર પટકાયો હતો. અકસ્માત સર્જાતાની સાથે જ કાર ચાલકે બ્રેક મારી દીધી હતી અને આસપાસની દુકાનો તેમજ ઘરોમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. રોડ પર લોહીલુહાણ હાલતમાં પડેલા યુવાનને લોકોએ તાત્કાલિક સંભાળ્યો હતો અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ બાઈક ચાલક યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

કલવાડા ગામમાં બનેલી આ રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના ત્યાં નજીકમાં આવેલા સીસીટીવી (CCTV) કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાઈક સવારની એક નાની ભૂલ અને અચાનક રોડ ક્રોસ કરવાની ઉતાવળ તેના પર કેટલી ભારે પડી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો પણ હાઈવે પર સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપી રહ્યા છે. ઘટના અંગે વલસાડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Gondal: બગદાણાથી દર્શન કરી પરત ફરતી ખાનગી બસ પલટી ખાતા 2 મહિલાઓના મોત


Leave a Comment