Junagadh News: ગિરના સાવજોમાં બેબીસિયાનો રોગચાળો, ત્રણ સિંહબાળ સહિત પાંચ સિંહના મોત

ગિરના સિંહો ફરી એકવાર જીવલેણ ગણાતી ગંભીર બીમારીમાં સપડાયા છે. જે રીતે 2018માં બેબીસીયા નામના રોગે વનવિભાગની ઊંઘ ઉડાડી દીધી હતી. તેવી રીતે આઠ વર્ષ પછી ફરીથી આવા રોગે ફરીથી સિંહોમાં દેખા દીધી છે. ગિર પશ્ચિમ અને ગીર પૂર્વે વનવિભાગની બોર્ડર પર સિંહોના ગ્રુપમાં આ રોગથી અનેક સિંહોના મોત થયાનું સામે આવ્યું છે. આ વાતને વનવિભાગના પીસીસીએફ જયપાલસિંઘે ‘સંદેશ’ સાથેની વાતચીતમાં કહ્યું કે, બેબીસીયા રોગથી ત્રણ સિંહબાળ સહીત પાંચ સિંહના મોત થયાની પુષ્ટિ થઈ છે અને અન્ય સિંહોના સંરક્ષણ માટે સતત મોનીટરીંગ રાખવામાં આવી રહ્યું છે.

સિંહોના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે

તાજેતરમાં અમરેલી જિલ્લામાં ગત સિંહોની ગણતરીમાં સૌથી વધુ સિંહ નોંધાયા છે. અહીં સિંહમાં ફરી ભેદી રોગચાળાને દહેશત ઉભી કરી દીધી છે. અહીંના ગીર પશ્ચિમ અને ધારી ગીર પૂર્વેમાં અનેક સિંહબાળ સહિતના સિંહોના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે જશાધાર રેંજના ગીર ગઢડા બોર્ડર પર એક જ દિવસમાં બે સિંહના ભેદી રોગથી મોત થયાનું સામે આવ્યું છે. વનવિભાગ દ્વારા 2018 બાદ ફરીથી બેબસીયા રોગના વાયરલને જોઇને સતર્ક બન્યું છે. અને તાકીદે સિંહોને બચાવવા માટે અશક્ત અને નબળા સિંહોને પકડી ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે રેસ્ક્યુ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. સાથે સિંહોના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે.

આખા ગ્રુપને પાંજરે પૂરી એનીમલ ડોકટરો દ્વારા તપાસ

સરસીયા રેંજ નીચેના ધારીના ઝર ગામના રેવન્યુ વિસ્તારમાંથી વનવિભાગ 8 સિંહોના આખા ગ્રુપને જશાધાર એનીમલ કેર ખાતે સિંહોના ગ્રુપને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા એક માસમાં ગીર પશ્ચિમ અને ગીર પૂર્વે વિસ્તારમાં અનેક સિંહોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. જેને પગલે વનવિભાગ દોડતું થયું છે. ત્યારે જશાધાર રેંજ ગીર પશ્ચિમની બોર્ડર પર નવા બંદર રાઉન્ડમાં એક જ દિવસમાં બે સિંહના મોત થતા વનવિભાગે અહીં અન્ય સિંહોના સેમ્પલ લેવાની પ્રક્રિયા શરુ કરી છે. આખા ગ્રુપને પાંજરે પૂરી એનીમલ ડોકટરો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથે લીલીયા, સાવરકુંડલા પણ એકાદ મહિનામાં બીમારીને લીધે અશક્ત સિંહબાળના મોત થયા છે.

હેલ્થ મોનીટરીંગ પ્રક્રિયા ચાલી રહી છે

આ અંગે પીસીસીએફ જયપાલસિંધે કહ્યું કે, ત્રણ સિંહ બાળ સહીત પાંચેક જેટલા સિંહોના મોત થયાનું સામે આવ્યું છે. તેમના મોત પાછળ બેબીસીયા રોગ હોવાનું માનવામાં આવે છે. જેને લઈને વનવિભાગ દ્વરા શિલો પર સતત મોનીટરીંગ કરીને હેલ્થ બાબતે જે કાઈ કરવું પડે તે તમામ કામગીરી કરી રહી છે. જો કે આ અંર્ગે જૂનાગઢ સીએફ અને ગીર પૂર્વના ડીસીએફનો સંપર્ક કરતા તેઓએ ફોન રીસીવ કરવાનું ટાળ્યું હતું. ગીર પશ્ચિમના ડીસીએફ પ્રશાંત તોમરે જણાવ્યું કે, હાલ પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત વનવિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ હેલ્થ મોનીટરીંગ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ફિલ્ડમાં અસ્વસ્થ જણાતા સિંહોનું હેલ્થ ચેકઅપ કરવું તે રૂટીન પ્રક્રિયા છે, અને હાલ વેટરનરી સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

બેબેસિયાએ એક ગંભીર અને જીવલેણ રોગ

બેબેસિયાએ એક ગંભીર અને જીવલેણ રોગ છે, જે બેબેસિયા નામના પરોપજીવી દ્વારા થાય છે. આ રોગ મનુષ્યોની સાથે પશુઓ અને વન્યજીવોમાં જોવા મળે છે. મેલેરિયા રોગની જેમ જ, આ પરોપજીવીઓ શરીરમાં દાખલ થઈને લોહીના લાલ રક્તકણો પરસીધો હુમલો કરે છે અને તેનો નાશ કરે છે. લાલ રક્તકણો તૂટવાને કારણે શરીરમાં ગંભીર લોહીની ઉણપ સર્જાય છે. આ રોગ મુખ્યત્વે ચેપી બગાઈના કરડવાથી ફેલાય છે. જ્યારે ચેપી બગાઈ કોઈ સ્વસ્થ પ્રાણી કે મનુષ્યને કરડે છે, ત્યારે તેના લાળ વાટે આ પરોપજીવી સીધા લોહીના પ્રવાહમાં ભળી જાય છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે. વન્યજીવો, ખાસ કરીને સિંહો અને દીપડાઓ માટે આ રોગ અત્યંત ઘાતક સાબિત થાય છે. જંગલમાં વન્યજીવો ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં રહેતા હોવાથી તેમના શરીર પર બગાઈ સરળતાથી ચોટી જાય છે.

આ પણ વાંચોઃ Gujarat News: AI થકી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો નિર્ણય, ટેસ્ટ ડ્રાઈવ બાદ ઇન્સ્ટન્ટ પરિણામ મળશે

Leave a Comment