ચોમાસાની ઋતુ નજીક આવતાની સાથે જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે. દર ચોમાસે પાણી-પાણી થઈ જતા ઓઢવ વિસ્તારની મધુમાલતી હાઉસિંગ સોસાયટીના રહીશો આ વર્ષે પણ જળબંબાકારની સ્થિતિનો સામનો કરવા મજબૂર બને તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. આ તરફ જનતાની ચિંતા દૂર કરવાના બદલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપેલા નિવેદનથી સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે.
ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીએ પણ લીધી હતી મુલાકાત
ઓઢવની મધુમાલતી સોસાયટીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસા દરમિયાન ઘૂંટણસમા પાણી ભરાવવાની ગંભીર સમસ્યા છે. ગત ચોમાસામાં આ વિસ્તારમાં સતત બે થી ત્રણ દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા હતા, જેના કારણે લોકોના ઘરોમાં નુકસાન થયું હતું અને પીવાના પાણીની પણ તકલીફ ઊભી થઈ હતી. આ વિસ્તારની ગંભીરતાને જોઈને ભૂતકાળમાં તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણી સહિતના અનેક મોટા નેતાઓએ આ સોસાયટીની મુલાકાત લીધી હતી, પરંતુ વર્ષો વીતવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.
બાજુની ગટર લાઈન અને તળાવ બને છે મુસીબત
સ્થાનિકોનો દાવો છે કે, સોસાયટીની બિલકુલ બાજુમાંથી જ મુખ્ય ગટર લાઈન પસાર થાય છે. ચોમાસામાં વરસાદી પાણીની સાથે આ ગટરના ગંદા પાણી પણ બેક મારે છે અને સોસાયટીમાં ભરાઈ જાય છે. આ ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ભય સતત રહે છે. ગયા વર્ષે ભરાયેલા ગંદા પાણીના ડાઘ અને નિશાનીઓ આજે પણ સોસાયટીના જાહેર માર્ગો અને દીવાલો પર સ્પષ્ટ જોઈ શકાય છે. તંત્ર દ્વારા માત્ર પેવર બ્લોકની કામગીરી કરીને સંતોષ માની લેવાયો છે, પરંતુ પાણીના નિકાલની મુખ્ય લાઈનનું કામ હજુ પણ અધૂરું છે.
“પાણી તો ભરાશે…” – સ્ટેન્ડિંગ ચેરમેન કમલેશ પટેલ
સમગ્ર મામલે અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે મીડિયા સમક્ષ સ્વીકાર્યું કે, તંત્ર હજુ મહદ્ અંશે જ સફળ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં મધુમાલતી સોસાયટીમાં 2-3 દિવસ સુધી પાણી ભરાતા હતા, કારણ કે બાજુનું તળાવ ઓવરફ્લો થતું હતું. હવે એ તળાવ ખાલી કરવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેથી પાણી ભરાવાની શક્યતા 40 % જેટલી ઓછી થઈ છે, પરંતુ મધુમાલતી સોસાયટીમાં પાણી તો ભરાશે જ.
ચેરમેનના આ નિવેદન બાદ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ છે. લોકોનું કહેવું છે કે, જો કરોડો રૂપિયાના ટેક્સ વસૂલ્યા પછી પણ તંત્ર ચોમાસામાં પાણી ભરાશે તેવું ખુલ્લેઆમ કહેતું હોય, તો પ્રિ-મોન્સૂન કામગીરીના નામે થતા કરોડોના ખર્ચા ક્યાં જાય છે?
આ પણ વાંચો – Ahmedabad News: મેમ્કો વિસ્તારમાં પ્રદૂષિત પાણીના લીધે રોગચાળો વકર્યો, તંત્રની ઘોર બેદરકારી