સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રાના કંટાવા વિસ્તારમાં આવેલા જંગલમાંથી એક અજ્ઞાત યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવકની લાશ જંગલમાં ઝાડ સાથે લટકતી હોવાની અને તેના બંને હાથ દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધેલા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવતા આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
મૃતક વિરેન્દ્રગઢ ગામનો હોવાનું ખૂલ્યું
ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવકની ઓળખ થઈ ચૂકી છે. આ યુવાન ધ્રાંગધ્રા તાલુકાના જ વિરેન્દ્રગઢ ગામનો રહેવાસી સંજય રમેશભાઈ ધામેચા હોવાનું સામે આવ્યું છે. યુવકનો મૃતદેહ આવી રહસ્યમય અને દર્દનાક સ્થિતિમાં મળી આવતા તેના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
પરિવારે વ્યક્ત કરી હત્યાની આશંકા
સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે જો યુવકે આપઘાત કર્યો હોય તો તેના બંને હાથ પાછળથી દોરડા વડે કેવી રીતે બંધાયેલા હોઈ શકે? આ જ કારણોસર મૃતકના શોકાતુર પરિવારજનોએ સંજયની હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પરિવારની માંગણી અને કેસની જટિલતાને ધ્યાનમાં રાખીને, પોલીસે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લીધો છે. મોતનું ચોક્કસ કારણ અને ઊંડાણપૂર્વકની વૈજ્ઞાનિક તપાસ થઈ શકે તે માટે સંજયના પાર્થિવ દેહને રાજકોટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.