રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપ સંગઠને આંતરિક શિસ્ત અને એકતા જાળવવા માટે ઉમેદવારોને મહત્વની સૂચનાઓ આપી છે. ખાસ કરીને મતદાન સમયે ‘પેનલ’ તૂટવાની આશંકાઓને જોતા પક્ષ દ્વારા પ્રચાર પ્રસારની પદ્ધતિમાં ચુસ્તતા લાવવાનો નિર્ણય લેવાયો છે.
વ્યક્તિગત પ્રચાર પર પ્રતિબંધ
પક્ષના આદેશ મુજબ, વોર્ડના ચારેય ઉમેદવારોએ પ્રચાર માટે ફરજિયાતપણે સાથે જવાનું રહેશે. કોઈ પણ ઉમેદવાર વ્યક્તિગત રીતે કે પોતાની પેનલ તોડીને અલગથી પ્રચાર કરી શકશે નહીં. ભાજપનું માનવું છે કે જો ઉમેદવારો અલગ-અલગ પ્રચાર કરે તો મતદારોમાં ખોટો સંદેશ જાય છે અને તેનાથી પેનલ તૂટવાનું જોખમ વધી જાય છે. તમામ ચારેય ચહેરાઓ એકસાથે જનતા વચ્ચે જાય તેવું સંગઠન ઈચ્છી રહ્યું છે.
જ્ઞાતિગત સમીકરણો પર ભાર
બેઠક દરમિયાન જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને પણ ખાસ સૂચન કરવામાં આવ્યું છે. દરેક જ્ઞાતિના મતદારોને રિઝવવા માટે રણનીતિ ઘડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ઘણીવાર ઉમેદવારો પોતાના અંગત સંપર્કોને કારણે માત્ર પોતાના માટે જ મત માંગતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ વખતે આવી કોઈ ભૂલ ન થાય અને ભાજપની આખી પેનલ વિજેતા બને તે માટે હાઈકમાન્ડે અત્યારથી જ ઉમેદવારોને શિસ્તના પાઠ ભણાવ્યા છે.