Tiffani Trump Jamnagar Visit: અમેરિકાના રાષ્ટ્રપતિના પુત્રી પતિ સાથે જામનગર પહોંચ્યા, અંબાણી પરિવારના મહેમાન બની ‘વનતારા’ નિહાળશે

ગુજરાતના જામનગરમાં આજે એક હાઈપ્રોફાઈલ મહેમાનનું આગમન થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિના પુત્રી ટિફની ટ્રમ્પ પોતાના ભારતના ખાનગી પ્રવાસ અંતર્ગત આજે સોમવારે જામનગર આવી પહોંચ્યા છે. ટિફની ટ્રમ્પની સાથે તેમના પતિ માઈકલ બુલોસ અને કેટલાક નજીકના મિત્રો પણ આ પ્રવાસમાં જોડાયા છે. જામનગરમાં તેઓ અંબાણી પરિવારના ખાસ મહેમાન બન્યા છે, અને રિલાયન્સના પ્રખ્યાત એનિમલ રેસ્ક્યૂ અને રિહેબિલિટેશન સેન્ટર ‘વનતારા’ની મુલાકાત લેશે.


ચાર્ટર્ડ પ્લેન દ્વારા જામનગર એરપોર્ટ પર આગમન

ટિફની ટ્રમ્પ અને તેમનો સ્ટાફ ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા સોમવારે બપોરે અંદાજે 11:15 કલાકે જામનગર એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. જામનગર એરપોર્ટ પર તેમનું પરંપરાગત અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેઓ એરપોર્ટથી સીધા વનતારા તરફ રવાના થયા હતા.


50થી વધુ કારનો કાફલો અને કડક સુરક્ષા

અમેરિકાના રાષ્ટ્રપતિના પુત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગર એરપોર્ટ પર અભેદ્ય કિલ્લા જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બુલોસને રિસીવ કરવા માટે પોલીસ, રિલાયન્સ સિક્યોરિટી અને અન્ય એજન્સીઓની 50થી વધુ મોંઘીદાટ કારનો મોટો કાફલો એરપોર્ટ પર તૈનાત હતો. આ હાઈ-સિક્યોરિટી કોન્વોય તેમને લઈને વનતારા જવા રવાના થયો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.


ભારતના વિવિધ પ્રવાસી સ્થળોની લીધી મુલાકાત

ટિફની ટ્રમ્પ હાલ ભારતના ખાનગી પ્રવાસે છે. જામનગર પહોંચતા પહેલા તેઓ ભારતના અન્ય ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે. જેમાં નવી દિલ્હીના ભવ્ય અક્ષરધામ મંદિર, આગ્રાના વિશ્વપ્રસિદ્ધ તાજમહેલ અને રાજસ્થાનના સોનેરી શહેર જૈસલમેરના પ્રખ્યાત ‘સોનાર કિલ્લા’નો સમાવેશ થાય છે. ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્ય કલા નિહાળ્યા બાદ હવે તેઓ જામનગરમાં અંબાણી પરિવારના વનતારા પ્રોજેક્ટમાં વન્યજીવોના સંરક્ષણની કામગીરી નિહાળશે.


ટિફની ટ્રમ્પે શેર કર્યા ભારત પ્રવાસના ફોટોસ

ટિફની ટ્રમ્પે તાજમહેલની મુલાકાત કરી હતી. આ યાદગાર પળોની તસવીરો એક્સ પર શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, તાજમહેલની એક અદ્ભુત મુલાકાત. એક અદ્દભૂત સ્વપ્ન સાકાર થયું.

આ પણ વાંચો – Jamnagar: મહિલા પોલીસ મથક પર પીપળાનું મોટું ઝાડ પડતા નુકસાન, બોલેરો દબાઈ ગઈ

Breaking News: ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન

Breaking News: ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન

ગરમી અને ઉકળાટથી પરેશાન દેશવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશના દક્ષિણ ભાગમાં ચોમાસાએ વિધિવત દસ્તક આપી દીધી છે. કેરલમના દરિયાકાંઠે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેના સાથે જ દેશમાં વરસાદી સિઝનની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કેરલમ સહિત દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

સમુદ્ર કિનારે ઊંચા મોજા ઉછળશે

ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્ર ઉછાળાભર્યો રહેવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયામાં ન જવા સલાહ આપવામાં આવી છે.

ચોમાસાના આગમન અંગેના આ છે માપદંડ

ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત માટે હવામાન વિભાગ ચોક્કસ વૈજ્ઞાનિક માપદંડોને આધારે નિર્ણય લે છે. તેમાં મુખ્યત્વે ત્રણ મહત્વના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રથમ માપદંડ મુજબ 10 મે પછી કેરલમ અને લક્ષદ્વીપ વિસ્તારમાં આવેલા કુલ 14 હવામાન મથકોમાંથી ઓછામાં ઓછા 60 ટકા મથકો પર જરૂરી માત્રામાં વરસાદ નોંધાવવો જરૂરી હોય છે.

બીજો માપદંડ એ છે કે આ વિસ્તારોમાં સતત બે દિવસ સુધી સરેરાશ 2.5 મિલીમીટર કે તેથી વધુ વરસાદ નોંધાવવો જોઈએ. ત્રીજો અને મહત્વપૂર્ણ માપદંડ પવનની સ્થિતિ સાથે જોડાયેલો છે. કેરલમના દરિયાકાંઠેથી લગભગ 4.5 કિલોમીટર ઊંચાઈ સુધી પશ્ચિમી પવનો મજબૂત હોવા જોઈએ અને તેમની ઝડપ 28થી 37 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે હોવી જરૂરી છે.

ચોમાસાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ તમામ માપદંડો પૂર્ણ થતાં હવામાન વિભાગ ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરે છે. કેરલમમાં ચોમાસાના પ્રવેશ બાદ સામાન્ય રીતે આગામી દિવસોમાં તે કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં આગળ વધે છે. ચોમાસાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેતી માટે વરસાદ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ગરમીથી રાહત મળવાની પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Breaking News : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જગતના તાત સાથે છેતરપિંડી આચરતું મોટું કૌભાંડ ઝડપાયું, જુઓ Video

 

Surat: વહેલી સવારથી જ રિક્ષાના પૈડાં થંભી ગયા, ભાડામાં સીધો રૂ.5 નો વધારો આપવાની મ્યુનિસિપલ તંત્ર પાસે માગ

સુરતમાં સામાન્ય અને મધ્યમ વર્ગની જીવાદોરી સમાન રિક્ષા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા આજે ખોરવાઈ ગઈ છે. સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે રિક્ષાચાલકો માટે રોજગારી મેળવવી મુશ્કેલ બની ગઈ છે. આ આર્થિક બોજના વિરોધમાં આજે વહેલી સવારથી જ સુરતના ડિંડોલી વિસ્તારના રિક્ષાચાલકોએ સ્વયંભૂ હડતાળ પાડી દીધી છે. ડિંડોલી ચાર રસ્તા અને મુખ્ય માર્ગો પર રિક્ષાચાલકોએ પોતાની રિક્ષાઓ સાઇડમાં ઉભી રાખીને અન્ય ચાલકોને પણ પેસેન્જર ન બેસાડવા અપીલ કરી હતી, જેના કારણે હડતાળે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

મુસાફરોની હાલત કફોડી, સીટી બસો હાઉસફુલ

સુરતમાં દૈનિક લાખો લોકો અવરજવર માટે ઓટો રિક્ષા પર નિર્ભર હોય છે, ત્યારે ડિંડોલીમાં સવાર-સવારમાં જ રિક્ષાઓ બંધ થઈ જતાં શાળાએ જતા બાળકો, રત્નકલાકારો અને નોકરિયાત વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. હજારો લોકો રસ્તા પર વાહનની રાહ જોતા ઉભેલા નજરે પડ્યા હતા અને અંતે ઘણા લોકોએ ચાલતા જવાની ફરજ પડી હતી.

5 ભાડા વધારાની જીદ

બીજી તરફ, રિક્ષાઓ બંધ હોવાના કારણે સુરત મહાનગરપાલિકાની સીટી બસો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બસો ઓવરલોડ થઈ જતાં લોકો ફૂટબોર્ડ પર અને દરવાજા બહાર જીવન જોખમે લટકીને મુસાફરી કરતા જોવા મળ્યા હતા, જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.

આ પણ વાંચો: Dahod: સુખસરમાં વિદેશી દારૂ ભરેલી તૂફાન કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર


ઘરમાં સુખ-શાંતિ લાવશે મુખ્ય દ્વાર પર કરેલો આ વાસ્તુ ઉપાય, જાણો અહીં

ઘરની સજાવટમાં લગાવ્યા છે નકલી છોડ ? જાણો વાસ્તુ મુજબ શુભ કે અશુભ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Rajkot : ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલાં ભારે ગરમાવો: બાબાને પડકાર ફેંકનાર એડવોકેટને મળી ધમકી

રાજકોટમાં આગામી 5 થી 7 જૂનના રોજ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ત્રિ-દિવસીય ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલાં જ રાજકોટનું રાજકારણ અને સામાજિક વાતાવરણ ગરમાયું છે.

પુરુષોત્તમ પીપળિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકીઓ

બાબાના આગમન પહેલાં જ એક મોટો વિવાદ સામે આવ્યો છે, જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની શક્તિઓ સામે સવાલ ઉઠાવનાર એડવોકેટ પુરુષોત્તમ પીપળિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાનથી મારી નાખવાની કે અન્ય ધમકીઓ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધમકી મળ્યા બાદ એડવોકેટે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જડબાતોડ જવાબ આપ્યો છે.

હું સનાતન ધર્મનો વિરોધી નથી

એડવોકેટ પુરુષોત્તમ પીપળિયાએ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, “મને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. જે લોકો ધમકી આપી રહ્યા છે, તેઓ ચોક્કસ વિચારધારાથી પ્રેરિત ધર્માંધ લોકો છે. હું સનાતન ધર્મનો વિરોધી નથી, હું પોતે ચુસ્ત ધર્મ સમર્થક છું. પરંતુ હું માત્ર ધર્મના નામે થતા ડિંડક, દોરાધાગા અને પ્રપંચનો વિરોધી છું.” વધુમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ આ ધમકી આપનારાઓ સામે કોઈ પોલીસ ફરિયાદ કરવાના નથી.

ચમત્કારિક શક્તિઓને પડકાર

પુરુષોત્તમ પીપળિયાએ બાબા બાગેશ્વરની ચમત્કારિક શક્તિઓ અને જાદુગરી સામે ખુલ્લો પડકાર ફેંકતા એક મોટો સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, “રાજકોટનો યુવક મોહિલ મોરધરા, જે છેલ્લા 28ૃ8 વર્ષથી ગુમ છે, બાબા પોતાની દિવ્ય શક્તિથી તેના વિશે સચોટ માહિતી આપે. જો બાબા આ બાબતે સાચા પુરવાર થશે, તો હું પોતે તેમને સાચા માનીને સ્વીકારી લઈશ.”

 ધમકી આપનાર અસામાજિક તત્વો કોણ છે?

રાજકોટમાં 5 જૂનથી શરૂ થઈ રહેલા આ દિવ્ય દરબાર પહેલાં જ વિવાદો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પુરુષોત્તમ પીપળિયાને ધમકી આપનાર અસામાજિક તત્વો કોણ છે? આ વિવાદને પગલે આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તંત્ર પણ સતર્ક બન્યું છે.

આ પણ વાંચો—-    Junagadh : ગીરમાં સિંહોના મોતના મામલે PMO એક્શનમાં, ખુદ વડાપ્રધાન મોદી રાખી રહ્યા છે નજર