ગોધરા શહેરના બામરોલી બાયપાસ રોડથી અછાલા જંગલ સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર પડેલા મોટા ખાડાઓ, ઉખડેલા ડામર અને ધૂળના ગોટેગોટા વચ્ચે વાહનચાલકો તથા રાહદારીઓને રોજિંદી અવરજવર દરમિયાન ભારે હાલાકીનો સામેનો કરવો પડી રહ્યો છે. આશરે 15થી વધુ ગામોને જોડતો અત્યંત મહત્વનો સંપર્ક માર્ગ છે. છતાં પણ આર એન્ડ બી વિભાગ દ્વારા માર્ગના સમારકામ અથવા જાળવણી માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગ પરથી બામરોલી, મહુલીયા, અછાલા, મલ્લાકુવા, દામાવાવ, રીછવાણી, ગોલ્લાવ, કાળી ડુંગરી, દેવગઢબારીયા તેમજ છોટાઉદેપુર તરફ જતાં લોકો રોજિંદી અવરજવર કરે છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને માટે આ માર્ગ જ મુખ્ય આધારરૂપ છે.