દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના દરિયાઈ વેપારીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઓમાનના લિમાહ નજીક સલાયાનું માલવાહક જહાજ ‘હાજી અલી’ એક ભયાનક વિસ્ફોટ બાદ દરિયામાં ડૂબી ગયું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ જહાજ પર ડ્રોન અથવા મિસાઈલથી હુમલો થયો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને કારણે જહાજમાં વિકરાળ આગ લાગી હતી અને તે જોતજોતામાં દરિયામાં ગરકાવ થઈ ગયું હતું.
લાઇફબોટે જીવ બચાવ્યો
જહાજ પર જે સમયે વિસ્ફોટ થયો ત્યારે તેમાં એક ટંડેલ સહિત કુલ 14 ખલાસીઓ સવાર હતા. વિસ્ફોટ બાદ આગ લાગતા ખલાસીઓએ સમયસૂચકતા વાપરી લાઈફબોટનો સહારો લીધો હતો. આ તમામ ખલાસીઓ દરિયામાં તરતા હતા ત્યારે ઓમાન કોસ્ટગાર્ડે ત્વરિત કાર્યવાહી કરી તમામને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા. હાલ તમામ 14 ખલાસીઓને ડીબા બંદરે પહોંચાડવામાં આવ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ખલાસીઓના જરૂરી દસ્તાવેજો પણ સલામત હોવાનું જાણવા મળ્યું છે.
હુમલા પાછળ કોનો હાથ? તપાસ તેજ
‘હાજી અલી’ જહાજ ગત 5 મેના રોજ બરબરા બંદરેથી લાઇવ સ્ટોક (પશુઓ) ભરીને શારજાહ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન વહેલી સવારે તેના પર હુમલો થયો હતો. નિષ્ણાતોના મતે વર્તમાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવનો આ જહાજ ભોગ બન્યું હોવાની શક્યતા છે. ઓમાન રોયલ પોલીસ દ્વારા આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે કે, આ હુમલો ડ્રોનથી થયો હતો કે રોકેટથી.
દરિયાઈ વેપારીઓમાં ફફડાટ
એક જ અઠવાડિયામાં સલાયાના બીજા વહાણ સાથે આવી દુર્ઘટના ઘટતા શિપિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ચિંતાનો માહોલ છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશને આ બાબતે ભારત સરકારમાં રજૂઆત કરી છે, અને તમામ ખલાસીઓને વહેલી તકે સલામત રીતે વતન પરત લાવવાની માગ કરી છે.
આ પણ વાંચો – Dwarka News: દુધિયા ગામે રસ્તાના ડખ્ખામાં યુવકની હત્યા, કુટુંબીજનોએ કુહાડી અને પાઇપ વડે કર્યો હુમલો