અમદાવાદ શહેરમાં સોમવારે વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે.
વરસાદના કારણે ખાસ કરીને પૂર્વ અમદાવાદના બાપુનગર, નિકોલ અને નરોડા જેવા મુખ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. બાપુનગરના સંજયનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અટવાયા હતા અને કેટલાક વાહનો બંધ પડી ગયા હોવાના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સિવાય સરસપુર અને વોરના રોજા વિસ્તારમાં પણ પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નેજ લાઈન મારફતે પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી નાગરિકોને વહેલી તકે મુશ્કેલીમાંથી રાહત મળી શકે. વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ અને પાણી ભરાવાની ફરિયાદો મળતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું હતું. સંજયનગર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં AMCની ટીમો તાત્કાલિક ધોરણે પંપિંગ મશીનરી સાથે પહોંચી ગઈ છે.