અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં આવેલી ઢાળની પોળની ઉપલી શેરીમાં એક મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મકાનનો મોટો ભાગ તૂટી પડતાં આસપાસ પાર્ક કરેલાં વાહનો કાટમાળ નીચે દબાઈ જતાં તેમને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. દુર્ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સ્થાનિક તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
સુરક્ષાના ભાગરૂપે એસ્ટેટ ટીમ અને સ્થાનિક પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે, જેથી સામાન્ય નાગરિકોની અવરજવર અટકાવી શકાય. હાલમાં મકાનનો જે ભાગ હજુ પણ ભયજનક સ્થિતિમાં ઊભો છે તેને ઉતારી લેવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.