Ahmedabadના ગોમતીપુરનો પરિવાર વિદેશમાં બન્યો બંધક, એજન્ટોએ માંગી રૂ.1 કરોડની ખંડણી

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતું એક દંપતી અને તેમના બે પુત્રો ગત 20 એપ્રિલે દિલ્હી મારફતે વિદેશ જવા નીકળ્યા હતા. એજન્ટો દ્વારા આ પરિવારને દિલ્હી-શ્રીલંકા-દુબઈ થઈને લંડન મોકલવાનો પ્લાન સમજાવવામાં આવ્યો હતો. લંડન પહોંચ્યા બાદ પ્રતિ વ્યક્તિ 25 લાખ રૂપિયા એમ કુલ 1 કરોડ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું હતું. પરિવાર દુબઈ પહોંચ્યો ત્યાં સુધી સતત સંપર્કમાં હતો, પરંતુ ત્યારબાદ અચાનક તેમનો સંપર્ક તૂટી ગયો હતો.

લોહીલુહાણ ફોટા અને ધમકીભર્યા ફોનથી પરિવારમાં ફફડાટ

પરિવાર ગુમ થયા બાદ વિદેશી નંબર પરથી ‘બાબા ખાન’ નામે ધમકીભર્યા ફોન આવવાના શરૂ થયા છે. આ ટોળકીએ પરિવાર પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. હદ તો ત્યારે થઈ જ્યારે એજન્ટોએ લોહીથી લથપથ યુવકનો ફોટો પરિવારને મોકલી ડરનો માહોલ ઉભો કર્યો છે. સોશિયલ મીડિયા પર એક મહિલાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં “એક દીકરાને મારી નાખ્યો છે” તેવી ધમકી આપી ખંડણી માંગવામાં આવી રહી છે. આ પરિવાર હાલ કેન્યા અથવા ઈથોપિયામાં બંધક હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

ક્રાઈમ બ્રાન્ચ એક્શન મોડમાં: એજન્ટોની ધરપકડના ચક્રો ગતિમાન

આ ગંભીર ઘટનાની જાણ થતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. પોલીસે અમદાવાદના સ્થાનિક એજન્ટને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી છે, જેમાં વલસાડના અન્ય એક એજન્ટનું નામ પણ ખુલ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરનું રેકેટ હોવાથી પોલીસ વિવિધ એજન્સીઓની મદદ લઈ રહી છે. ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાના બહાને ચાલતા આ જીવલેણ ખેલમાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment