Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં ભાજપના 72 ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટિકિટ
સમાચાર
Dangના દક્ષિણ વનવિભાગના જંગલોમાં ભીષણ આગ, સામગહાન અને વઘઇ રેન્જમાં વનસંપત્તિને ભારે નુકસાન
કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લાના દક્ષિણ વનવિભાગના જંગલોમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. ડાંગના સામગહાન ફોરેસ્ટ રેન્જ હેઠળ આવતા ધુમખલ અને વઘઇ રેન્જના દેવીપાડાના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ઉનાળાની શરૂઆત સાથે જ જંગલોમાં સૂકા પાંદડા અને ઘાસને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે.
વનસંપત્તિ અને જીવસૃષ્ટિને વ્યાપક નુકસાન
જંગલમાં લાગેલી આ આગને કારણે અમૂલ્ય વનસંપત્તિ બળીને ખાખ થઈ ગઈ છે. જંગલમાં વસતા પક્ષીઓના માળાઓ અને નાના વન્યજીવોના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થયું છે. આગની આ ઘટનાથી પર્યાવરણને મોટું નુકસાન થતાં પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે નારાજગી અને ચિંતા જોવા મળી રહી છે. દર વર્ષે ઉનાળામાં લાગતી આ ‘દવ’ની ઘટનાઓને રોકવા માટે કાયમી ઉકેલની માંગ ઉઠી રહી છે.
વનવિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા કવાયત
ઘટનાની જાણ થતા જ દક્ષિણ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત વનકર્મીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. વનવિભાગની ટીમો દ્વારા પરંપરાગત પદ્ધતિઓ અને ફાયર બ્લોઅરની મદદથી આગને આગળ વધતી અટકાવવાના અને કાબૂમાં લેવાના યુદ્ધના ધોરણે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. વનવિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનોની પણ મદદ લેવામાં આવી રહી છે જેથી આગ વધુ ઊંડા જંગલોમાં ન ફેલાય.
Gujarat Policeનું ગૌરવ, 16 વર્ષ બાદ ‘ચેક’ નામના ડોગે ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત્યો ગોલ્ડ મેડલ
મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ (AIPDM) 2025-26માં ગુજરાત પોલીસના ‘ચેક’ નામના નર ડોગે વિજયી દેખાવ કર્યો છે. ટ્રેકિંગ કેટેગરીમાં અદભૂત કૌશલ્ય બતાવી ‘ચેક’ એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સાથે જ તેણે ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. ગુજરાત પોલીસ માટે આ ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે પૂરા 16 વર્ષ પછી કોઈ પોલીસ ડોગે રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
દેશભરના 200 શ્વાનો વચ્ચે મારી બાજી
આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યો અને પેરામિલિટરી ફોર્સના 200થી વધુ ડોગ્સે ભાગ લીધો હતો. એકલી ટ્રેકિંગ કેટેગરીમાં જ 45 સ્પર્ધકો હતા, જેમને પાછળ છોડીને ‘ચેક’ એ પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ સફળતા પાછળ તેના હેન્ડલર રમેશ ખાંટ અને ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડની સખત મહેનત રહેલી છે. આ સ્પર્ધામાં વિસ્ફોટક, નાર્કોટિક્સ શોધ અને ટ્રેકિંગ જેવી કઠિન કસોટીઓ લેવામાં આવી હતી.
DGP દ્વારા સન્માન
આ ભવ્ય સિદ્ધિ બદલ રાજ્ય પોલીસ વડા કે.એલ.એન. રાવે ગાંધીનગર પોલીસ ભવન ખાતે ડોગ ‘ચેક’, હેન્ડલર રમેશ ખાંટ અને ટ્રેનિંગ ટીમનું મેડલ આપી વિશેષ સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2026માં યોજાયેલી આ સ્પર્ધા માટે DGP (ટ્રેનિંગ) ડૉ. નીરજા ગોટરુના માર્ગદર્શન હેઠળ વિશેષ રાજ્ય સ્તરીય સ્પર્ધા યોજીને શ્રેષ્ઠ ડોગ્સની પસંદગી કરવામાં આવી હતી. હાલ ગુજરાતમાં કુલ 160 જેટલા પોલીસ ડોગ્સ વિવિધ ગુનાશોધનમાં મદદરૂપ થઈ રહ્યા છે.
ACનું ટેમ્પ્રેચર 16 ડિગ્રીથી નીચે કે 30 ડિગ્રીથી ઉપર કેમ નથી હોતુ? જાણો શું છે કારણ
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ એર કન્ડીશનર (AC) આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની જાય છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે મોટાભાગના AC માં, તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસથી નીચે કે 30 ડિગ્રી સેલ્સિયસથી ઉપર કેમ સેટ કરી શકાતું નથી? ઘણા લોકો માને છે કે આ ફક્ત ઉત્પાદક દ્વારા લાદવામાં આવેલી મર્યાદા છે; જોકે, તેની પાછળ ખરેખર વૈજ્ઞાનિક અને તકનીકી કારણો છે.(ફોટો ક્રેડિટ-Google)
AC નું પ્રાથમિક કાર્ય ઓરડામાં ગરમ હવાને ઠંડી હવામાં રૂપાંતરિત કરવાનું છે. આ પ્રાપ્ત કરવા માટે, તે કોમ્પ્રેસર અને રેફ્રિજન્ટનો ઉપયોગ કરે છે. જ્યારે તમે તાપમાનને વધુ પડતું ઘટાડવાનો પ્રયાસ કરો છો, ત્યારે તે કોમ્પ્રેસર પર ભારે તાણ નાખે છે.(ફોટો ક્રેડિટ-Google)
જો AC ને 16 ડિગ્રીથી નીચે કામ કરવાની મંજૂરી આપવામાં આવે, તો ઠંડક કોઇલ પર બરફ બનવાનું શરૂ થશે. આ મશીનની કાર્યક્ષમતા ઘટાડે છે અને AC ખરાબ થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે. પરિણામે, ઉત્પાદકો સલામત ઓપરેટિંગ રેન્જ સ્થાપિત કરે છે.(ફોટો ક્રેડિટ-Google)
AC માત્ર હવાને ઠંડુ કરવા માટે જ નહીં, પરંતુ અમુક હદ સુધી, તાપમાનને નિયંત્રિત કરવા માટે પણ સેવા આપે છે. સામાન્ય રીતે 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઓરડાના નોર્મલ ટેમ્પ્રેચર બરાબર હોય છે. જો આ બિંદુથી આગળ સેટિંગ વધારવામાં આવે, તો ACનો ઉપયોગ લગભગ નિરર્થક બની જશે, કારણ કે તે રૂમને ઠંડુ કરવાને બદલે નોર્મલ તાપમાન પર રાખે છે.(ફોટો ક્રેડિટ-Google)
નિષ્ણાતોના મતે, 22 થી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું તાપમાન માનવો માટે સૌથી આરામદાયક માનવામાં આવે છે. 16 ડિગ્રીનું સેટિંગ અતિશય ઠંડુ હોઈ શકે છે, જે સંભવિત રીતે શરદી, ફ્લૂ જેવા લક્ષણો અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેવી જ રીતે, 30 ડિગ્રીથી વધુ તાપમાને એસી ચલાવવાથી કોઈ ખાસ ફાયદો થતો નથી; તેથી, ઉત્પાદકો આ મર્યાદા લાદે છે.(ફોટો ક્રેડિટ-Google)
ખૂબ ઓછા તાપમાને એસી ચલાવવાથી વીજળીના વપરાશમાં ઝડપી વધારો થાય છે. જો 16 ડિગ્રીથી નીચે જવાનો વિકલ્પ ઉપલબ્ધ હોત, તો લોકો રૂમને વધુ ઠંડુ કરવાનો પ્રયાસ કરશે, જેના પરિણામે વીજળીના બિલમાં વધારો થશે અને યુનિટ પર યાંત્રિક ભાર વધશે.(ફોટો ક્રેડિટ-Google)
તેથી, આ મર્યાદા ઉર્જા સંરક્ષણને ધ્યાનમાં રાખીને પણ સ્થાપિત કરવામાં આવી છે. ટેકનોલોજીમાં પ્રગતિ સાથે, ભવિષ્યમાં એસી ક્ષમતાઓમાં સુધારો થઈ શકે છે; જોકે, હાલમાં, 16 થી 30-ડિગ્રી રેન્જને સૌથી સંતુલિત અને સલામત ધોરણ માનવામાં આવે છે.(ફોટો ક્રેડિટ-Google)
લિફ્ટ કે બેઝમેન્ટમાં કેમ નથી આવતુ ઈન્ટરનેટ? જાણો શું છે કારણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
Dahod: ગરબાડામાં નારિયેળ ભરેલી ટ્રક પલટતા લોકોની લૂંટ, ઇજાગ્રસ્ત ડ્રાઈવરને મદદ કરવાને બદલે નારિયેળ ચોરવામાં મશગૂલ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયાઝોલ પુલ પર આજે એક વિચિત્ર અને શરમજનક ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવી રહેલી લીલા નારિયેળ ભરેલી એક લોડિંગ ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે, અકસ્માત બાદ ઇજાગ્રસ્તોની મદદ કરવાને બદલે સ્થાનિક લોકોમાં નારિયેળ લૂંટવાની દોડધામ મચી ગઈ હતી.
પાટીયાઝોલ પુલ પર નારિયેળ ભરેલી ટ્રક પલટી
મળતી માહિતી મુજબ, પાટીયાઝોલ પુલ પર ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રકમાં ભરેલા સેંકડો લીલા નારિયેળ રસ્તા પર વેરાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પણ ઇજાગ્રસ્ત ડ્રાઈવર કે કંડક્ટરને મદદ કરવાને બદલે લોકો જે હાથમાં આવે તે રીતે નારિયેળ લૂંટીને ભાગવા લાગ્યા હતા.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ ગરબાડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને લાઠીના જોરે લૂંટ ચલાવી રહેલા લોકોને ભગાડી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતમાં ઘવાયેલા ડ્રાઈવર અને કંડક્ટરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાટીયાઝોલ પુલ પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોવા છતાં લોકોની આવી સંવેદનહીનતા ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: Surat: સુર્યા મરાઠી ગેંગના સાગરીતને પિસ્તોલ સાથે દબોચ્યો, ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી
Gandhinagar News: ગુજરાત પોલીસે ડ્રગ્સના કેસોની તપાસ મજબૂત થાય અને કન્વિક્શન રેટ વધે તે માટે AI ટૂલ લોન્ચ કર્યું
રાજ્યમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા ગુજરાત પોલીસે ‘NARIT AI’ નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ લોન્ચ કર્યુ છે.આ પહેલનો હેતુ નાર્કોટિક્સ સંબંધિત તપાસને અસરકારક બનાવવાનો છે અને કોર્ટમાં ટ્રાયલ દરમિયાન કેસને વધુ મજબૂત બનાવી આરોપીઓને સજા અપાવવાનો છે.NARIT AI RAG આધારિત સિસ્ટમ છે જે NDPS કાનૂની માળખા હેઠળના જટિલ નાર્કોટિક્સ કેસોને હેન્ડલ કરવામાં તપાસ કરનાર અધિકારી અને એજન્સીને મદદરૂપ થાય છે.આ ટૂલ દરેક કેસ સંદર્ભે કાનૂની જોગવાઈઓ, કાયદા અને તપાસ પ્રક્રિયાઓને એકઠી કરીને તપાસ અધિકારીઓને રિયલ-ટાઈમ વિશ્લેષણ કરી કાનુની સલાહ પણ આપે છે.
ડ્રગ્સ સબંધિત ગુનાઓને નેસ્તનાબૂદ કરવા માટે મક્કમ
ભારતમાં કોઈપણ રાજ્ય પોલીસ અથવા કાયદાનો અમલ કરતી એજન્સી દ્વારા ઉપયોગમાં લેવાતું આ પ્રથમ પ્રકારનું AI આધારિત ટૂલ છે. આ એપ્લિકેશન પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરા વિભાગ દ્વારા મુંબઈ સ્થિત AI સ્ટાર્ટઅપના સહયોગથી વિકસાવવામાં આવી છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,ગુજરાત રાજ્ય ડ્રગ્સ સબંધિત ગુનાઓને નેસ્તનાબૂદ કરવા માટે મક્કમ છે.આ સમગ્ર નેટવર્ક તોડી પાડવા માટે જે કંઇ પણ કરવુ પડે તે માટે અમે કટિબદ્ધ છીએ.ડ્રગ્સ સંબંધિત ગુનાઓની અસરકારક તપાસ થાય અને આરોપીઓ સામે અસરકારક કાનુની ગાળિયો બંધાય તે માટે અમે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરી છે અને ટેકનોલોજીની મદદથી આ કાર્ય બધુ મજબૂત બનશે.
NDPS કેસોમાં કન્વિક્શન રેટ સુધરશે
આ એપ્લિકેશન ગુજરાત રાજ્ય પોલીસ વડા કે.એલ.એન.રાવ અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે અને પશ્ચિમ રેલવે, વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોનીની આ પહેલ છે.ગુજરાત સરકારે નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને આવા ગંભીર ગુનાઓને રોકવા માટે અને તેની કડક તપાસ થાય તે માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.અગાઉ તપાસ માત્ર વિશેષ તાલીમ પ્રાપ્ત પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરાતી હતી, જેના કારણે કામનો ભાર અને વહીવટી વિલંબ સર્જાતો હતો.આ ટૂલ નવીન RAG આધારિત AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ‘ફોર્સ મલ્ટિપ્લાયર તરીકે કાર્ય કરશે અને દરેક તપાસ અધિકારીને નિયમો મુજબ યોગ્ય તપાસ કરવાની સક્ષમતા આપશે.જેના કારણે NDPS કેસોમાં કન્વિક્શન રેટ સુધરશે.
તપાસ અધિકારીઓને કેવી રીતે મદદરૂપ થશે?
સૌપ્રથમ પોલીસ અધિકારીએ FIR આ એપ્લિકેશનમાં અપલોડ કરવી પડશે. અપલોડ થયા પછી સિસ્ટમ વિશ્લેષણ રિપોર્ટ તૈયાર કરશે. આ રિપોર્ટ કેસની મજબૂતીઓ અને નબળાઈઓનું મૂલ્યાંકન કરશે અને કાનૂની ઉપાયો સૂચવશે.આ ટેક્નોલોજી NDPS સંબધિત કેસોમાં પોલીસ કર્મચારીઓને તપાસમાં માર્ગદર્શન પૂરુ પાડશે, જેમાં હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓના આધારે સૂચનો, કાનૂની પ્રક્રિયાનો પાલન, FIRની કાનૂની દ્રષ્ટિએ નબળાઈઓની ઓળખ, શુ કરવુ અને શુ ન કરવુ તેની સલાહ આપશે અને પુરાવાઓનું ચેકલિસ્ટ પણ આપશે. આ એપ્લિકેશન તપાસ અધિકારીઓને પ્રક્રિયાત્મક ભૂલો ટાળવામાં મદદરૂપ થશે.
આ નવી AI આધારિત સિસ્ટમ શું કરે છે?
આ એપ્લિકેશન FIRની માહિતી ઇનપુટ તરીકે લઈ કેસનું વિગતવાર વિશ્લેષણ કરે છે અને રિપોર્ટ જનરેટ કરે છે. આ મોડલ નવીન RAG આધારિત AI ટેક્નોલોજી પર આધારિત છે અને NDPS કેસોમાં જામીન અને ટ્રાયલ સંબંધિત હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ, BNS, BNSS, BSAના બેર એક્ટ્સ, NDPS એક્ટ, 1985 તેમજ સરકારી માર્ગદર્શિકા અને સર્ક્યુલર્સ પર આધારિત છે. RAG ટેક્નોલોજી આધારિત આ AI સિસ્ટમ માત્ર તેને આપેલા ડેટાબેઝનો ઉપયોગ કરીને FIRનું વિશ્લેષણ કરે છે અને ઓપન ઇન્ટરનેટ સર્ચ પર આધાર રાખતી નથી, જેના કારણે ‘હેલ્યુસિનેશન’ની શક્યતા દૂર થાય છે.
Ahmedabad News: 19 ગુનામાં સંડોવાયેલ કુખ્યાત નિલેશ ઠાકોર ઝડપાયો, LCB ઝોન-2ની મોટી સફળતા
અમદાવાદ શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-2 ની ટીમ દ્વારા બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 9 મહિનાથી ફરાર આરોપી નિલેશ પ્રવિણભાઈ ઠાકોરને ઝડપી લીધો છે. પોલીસની આ કાર્યવાહીથી ગુનાખોરી આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
9 મહિનાથી પોલીસને આપતો હતો થાપ
પકડાયેલ આરોપી નિલેશ ઠાકોર લાંબા સમયથી પોલીસની પકડથી દૂર હતો. તેની સામે પ્રોહીબિશનના બે મુખ્ય ગુનાઓ નોંધાયેલા હતા, જેમાં તે વોન્ટેડ જાહેર કરાયો હતો. આ ઉપરાંત, સાબરમતી પોલીસ સ્ટેશનના પાસા (PASA) વોરંટમાં પણ તે વોન્ટેડ હતો. LCB ઝોન-2ની ટીમને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વોચ ગોઠવીને તેને દબોચી લેવામાં આવ્યો છે.
ગુનાહિત ઈતિહાસ: 19 ગુના નોંધાયેલા છે
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, નિલેશ ઠાકોર કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની સામે અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 19 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ બનાસકાંઠા અને મહિસાગર જિલ્લાના વિવિધ ગુનાઓમાં પણ તેની સંડોવણી ખુલી છે.
કાયદેસરની કાર્યવાહી
આરોપી ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે તેને ઝડપી લીધો છે. હાલ પોલીસે આરોપીનો કબજો મેળવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય કોઈ મોટા ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બાને તોડી પંચાયત ઘર બનાવવા સામે ગ્રામજનોએ ચડાવી બાંયો- જુઓ Video

મહેસાણાના પાંચોટ ગામમાં ગ્રામજનો અને ખેડૂતોએ વર્ષો જૂના ઢોર ડબ્બા માટે બાંયો ચડાવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, ગામમાં આવેલો ઢોર ડબ્બો ગાયકવાડ સમયનો છે. તે ઢોર ડબ્બાને તોડી પાડતા કેટલાક પશુના મોત પણ નિપજ્યાં છે. આ મામલે ગ્રામજનોએ 60થી વધુ સહીઓ સાથે પંચાયતમાં લેખિત અરજી કરી છે અને માગ કરી કે પંચાયત ઘર ગામમાં અન્ય કોઈ જગ્યાએ બનાવવામાં આવે. આ જગ્યા પશુઓ માટે ખુલ્લી રાખવામાં આવે. તેમજ આ મુદ્દે તલાટીએ ડરાવવા પોલીસ કેસની ધમકી આપ્યાનો પણ આરોપ લગાવ્યો છે.
બીજી તરફ ગ્રામજનોના વિરોધ અને આક્ષેપો વચ્ચે સરપંચે પોતાનો બચાવ કર્યો. જણાવ્યું કે, રખડતા ઢોરો માટેનો ડબ્બો ગામમાં અગાઉથી જ બનાવવામાં આવેલો છે અને તે કાર્યરત છે. પંચાયત ઘરના નિર્માણ અંગે સ્પષ્ટતા કરી કે, અગાઉ જૂની પંચાયત હતી, તે જ જગ્યાએ નવું પંચાયત ઘર બની રહ્યું છે. તેમજ ગ્રામજનો તરફથી કોઈ લેખિત રજૂઆત ન મળી હોવાનો દાવો કર્યો.
હવે જોવું એ રહ્યું કે, અબોલ જીવો માટેના ઢોર ડબ્બાની જગ્યા ખુલ્લી રાખવાની માગ પર વહીવટી તંત્ર નમતું જોખશે કે પછી લોકોના વિરોધ વચ્ચે પણ પંચાયત ઘરનું નિર્માણ થશે.
શું મુસ્લિમ દેશોના નવા લીડર તરીકે ઉભરી રહ્યુ છે ઈરાન? અમેરિકા સાથેના 40 દિવસના યુદ્ધે તોડી નાખી અનેક માન્યતા
Breaking News: KKR ના ખેલાડી સાથે ચીટિંગ, સિક્સર હતો અને આપી દીધો આઉટ, IPL 2026માં મોટો વિવાદ

IPL 2026 ની 15મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ રહી છે. મેચની શરૂઆતમાં જ એક મોટો વિવાદ ફાટી નીકળ્યો, જેના કારણે સમગ્ર ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ. મેચની બીજી ઓવરમાં, લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવે ફિન એલનને આઉટ કર્યો. જોકે, અમ્પાયરે એક મોટી ભૂલ કરી, જેનાથી બધા ચોંકી ગયા.
ફિન એલન સાથે ચીટિંગ!
હકીકતમાં, કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગના બીજા ઓવરના ચોથા બોલ પર, પ્રિન્સ યાદવે KKR ના ઓપનર ફિન એલનને આઉટ કર્યો. આ બોલ ઓફ સ્ટમ્પની બહાર એક હાર્ડ લેન્થ ડિલિવરી હતી, જેમાં થોડી સ્વિંગ હતી. એલને પુલ શોટનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટની ધારને સ્પર્શી ગયો અને ઉપર ગયો. ડીપ થર્ડ મેન પર ઉભેલા દિગ્વેશ રાઠીએ બાઉન્ડ્રી પર એક શાનદાર કેચ પકડ્યો.
LOOK AT THIS
You can clearly see advertisement board moving but umpire gave it out without checking it.
IT WAS A SIX FOR FINN ALLEN and Umpire Gave out #KKRvsLSG pic.twitter.com/gYvLVlsLoB
— Jeet (@JeetN25) April 9, 2026
છગ્ગો હતો અને આપી દીધો આઉટ
શરૂઆતમાં, તે એક શાનદાર કેચ જેવો લાગતો હતો. પરંતુ રિપ્લેમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે દિગ્વેશ રાઠી કેચ લેતી વખતે બાઉન્ડ્રી સ્કર્ટિંગ (દોરડા) ને સ્પર્શી ગયો હતો. એક ક્ષણ માટે, એવું લાગ્યું કે તેનો પગ અથવા શરીર દોરડાને સ્પર્શી રહ્યો છે. વધુમાં, બાઉન્ડ્રી કુશનમાં થોડું હલ્યું હતું. છતાં, અમ્પાયરે તપાસ કરી નહીં અને ફિન એલનને આઉટ આપવામાં આવ્યો. આ નિર્ણયથી તરત જ વિવાદ થયો. જો અમ્પાયર સતર્ક હોત, તો એલન આઉટ ન થાત, કારણ કે તે છગ્ગો હતો અને તેને છ રન આપવામાં આવ્યા હોત.
સોશિયલ મીડિયા પર હંગામો
આ નિર્ણયથી ઈડન ગાર્ડન્સના દર્શકો ગુસ્સે ભરાયા હતા, અને #FinnAllenNotOut અને #BadUmpiring જેવા હેશટેગ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા હતા. આ દરમિયાન, અમ્પાયરની આ ભૂલને કારણે, કોલકાતા નાઈટ રાઈડર્સે માત્ર 15 રનમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. ફિન એલન 8 બોલમાં 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
Breaking News: લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
Dahod News: છોકરી ભગાડવા મામલે રાછરડામાં જૂથ અથડામણ, છોકરા પક્ષના મકાનોમાં તોડફોડ અને હુમલામાં 2 લોકો ઘાયલ
દાહોદ જિલ્લાના રાછરડા ગામે પ્રેમ પ્રકરણ અથવા છોકરી ભગાડવાની જૂની અદાવતને લઈને ભારે તંગદિલી સર્જાઈ છે. છોકરી પક્ષના લોકોએ ઉશ્કેરાઈને છોકરા પક્ષના મકાનો પર હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનામાં ટોળાએ છોકરાના ઘરને નિશાન બનાવીને ઘરના બારી-બારણાં, નળિયાં અને અન્ય ઘરવખરીની ચીજવસ્તુઓની મોટાપાયે તોડફોડ કરી હતી. ગામમાં અચાનક થયેલી આ બબાલને કારણે ફફડાટ વ્યાપી ગયો હતો.
તોડફોડની ઘટનામાં 2 લોકો ઘાયલ, હોસ્પિટલ ખસેડાયા
હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા અને હુમલામાં છોકરા પક્ષના બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલાના સમયે પરિવારના સભ્યો જીવ બચાવવા માટે નાસભાગ કરી રહ્યા હતા, છતાં હિંસક ટોળાએ મકાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાને પગલે પરિવારના સભ્યોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
બનાવની જાણ થતા જ દાહોદ પોલીસનો કાફલો તાત્કાલિક રાછરડા ગામે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે તોડફોડ કરનારા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે અને વધુ હિંસા ન ભડકે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીડિત પરિવારે ન્યાયની માંગ સાથે આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા રજૂઆત કરી છે. હાલમાં પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે અને ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.






