Local Body Elections 2026 : અમદાવાદના નરોડામાં ટિકિટ વિતરણ મુદ્દે ભાજપમાં મોટો ભડકો, કાર્યકરોએ આપ્યા સામૂહિક રાજીનામા, જાણો શું છે વિવાદ

અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નરોડા વિધાનસભા વિસ્તારમાં ટિકિટ ફાળવણીને લઈને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પક્ષના શિસ્તબદ્ધ ગણાતા માળખામાં ભંગાણના સંકેતો દેખાઈ રહ્યા છે.

વોટ્સએપ ગ્રુપમાં કકળાટ અને રાજીનામા

ગઈકાલ સાંજથી જ નરોડા ભાજપના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોએ પોતાનો રોષ ઠાલવવાનું શરૂ કર્યું હતું. અનેક સક્રિય અને પાયાના કાર્યકરોએ ગ્રુપમાં જ પોતાના રાજીનામા મૂકી દીધા હતા. કાર્યકરોનો મુખ્ય આક્ષેપ છે કે વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો વહાવનારા જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવી છે અને તેમના બદલે છેલ્લી ઘડીએ આવેલા ‘નવા’ ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

સગાવાદના આક્ષેપો

નરોડામાં ભાજપ સંગઠનમાં નારાજગી જોવા મળી. જૂના કાર્યકરોની અવગણના થતા કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો. સ્થાનિક ધારાસભ્ય પર સગાવાદના આક્ષેપ લગાવ્યો. સોશિયલ મીડિયામાં વ્હોટસગ્રુપમાં કાર્યકરોમાં આક્રોશને લઈને ચર્ચા ચકડોળે ચઢી. સ્થાનિક કાર્યકરોએ ધારાસભ્ય (MLA) સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, ટિકિટ મેળવવામાં મેરિટના બદલે સગાવાદ અને અંગત પસંદગીને મહત્વ આપવામાં આવ્યું છે. ધારાસભ્યએ પોતાના માનીતા અને અંગત અંગત લોકોને ટિકિટ અપાવી હોવાનો ગણગણાટ પક્ષના આંતરિક વર્તુળોમાં તેજ બન્યો છે.

ડેમેજ કંટ્રોલના પ્રયાસો

એકસાથે મોટી સંખ્યામાં કાર્યકરો નારાજ થતા શહેર ભાજપ સંગઠન હરકતમાં આવ્યું છે. જો આ વિખવાદ જલ્દી શાંત નહીં થાય, તો આગામી ચૂંટણીમાં તેની સીધી અસર પરિણામો પર પડી શકે છે. નારાજ કાર્યકરો હવે અન્ય પક્ષોમાં જોડાય અથવા અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી.

આ પણ વાંચો : Local Body Elections 2026 : રાજકોટમાં નાસિક ઢોલ અને આતશબાજી વચ્ચે ઉમેદવારો ભરશે ફોર્મ, ભાજપનું શક્તિ પ્રદર્શન

Leave a Comment