સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ના પ્રચાર વચ્ચે અમદાવાદ જિલ્લા ભાજપમાં મોટો ભડકો થયો છે. પક્ષના અધિકૃત ઉમેદવારો સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 7 જેટલા હોદ્દેદારો સામે ભાજપે લાલ આંખ કરી છે. શિસ્તના આગ્રહી એવા ભાજપે આ તમામ સભ્યોને પક્ષના પ્રાથમિક અને સક્રિય સભ્યપદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (બરતરફ) કરી દીધા છે.
વિરમગામ, બારેજા અને સાણંદમાં કાર્યવાહી
અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયમાં વિરમગામ શહેરના 4, બારેજાના 2 અને સાણંદના 1 હોદ્દેદારનો સમાવેશ થાય છે. આ હોદ્દેદારોએ કાં તો પોતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અથવા તો પોતાના પરિવારના સભ્યોને ભાજપના ઉમેદવાર સામે મેદાનમાં ઉતાર્યા હતા. પક્ષની શિસ્તનો ભંગ કરવા બદલ તેમને તમામ હોદ્દાઓ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.
પક્ષ વિરોધી પ્રવૃત્તિ નહીં ચલાવી લેવાય
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે ચૂંટણી લડવી એ ગંભીર શિસ્તભંગ છે. ચૂંટણી ટાણે જ આ પ્રકારની કડક કાર્યવાહી કરીને ભાજપે અન્ય કાર્યકરો અને નેતાઓને પણ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે પક્ષ વિરોધી કોઈપણ પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. આ આકરા નિર્ણયને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.