Operation Mule Hunt 2.0 : ગુજરાતમાં 622 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, 40 આરોપીઓની ધરપકડ

રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઈમના ગુનાઓને ડામવા માટે સી.આઈ.ડી. ક્રાઈમના પોલીસ મહાનિદેશક ડો. કે. લક્ષ્મી નારાયણ રાવ અને પોલીસ મહાનિરીક્ષક બિપીન આહિરેની સૂચના હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરની ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત છેલ્લા એક મહિનામાં પોલીસે દેશવ્યાપી સાયબર ઠગાઈના નેટવર્કને તોડી પાડ્યું છે.

ભવ્ય કામગીરી અને ધરપકડ

પોલીસની અલગ-અલગ ટીમોએ ઊંઝા, ભાવનગર, રાજકોટ અને સુરત ખાતે દરોડા પાડીને કુલ 40 આરોપીઓની ધરપકડ કરી છે. આ નેટવર્ક દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 622 કરોડનું ટોટલ ફ્રોડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં સાયબર ફ્રોડની કુલ 1039 ફરિયાદો નોંધાયેલી છે

મોડસ ઓપરેન્ડી

આ ગેંગના સભ્યો કમિશનની લાલચ આપીને પોતાના તથા અન્ય વ્યક્તિઓના નામે વિવિધ બેંકોમાં પેઢીઓના ‘મ્યુલ એકાઉન્ટ’ ખોલાવતા હતા. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં આ ખાતાઓમાં જમા કરાવી, તેનું રોકડમાં રૂપાંતર કરી આંગડિયા મારફતે સગેવગે કરવામાં આવતા હતા. આરોપીઓ આ નાણાં ગેરકાયદેસર હોવાનું જાણતા હોવા છતાં આર્થિક લાભ માટે આ ગુનાહિત કૃત્ય આચરતા હતા

જપ્ત કરેલો મુદ્દામાલ અને વિગતો

સુરત-ભાવનગરમાંથી પકડાયેલા આરોપીઓ પાસેથી 125 પેઢીઓની વિગતો, 868 બનાવટી ઇનવોઇસ અને 174 કરોડથી વધુની ઠગાઈની વિગતો મળી આવી છે તો ઊંઝા વિસ્તારમાંથી પકડાયેલા આરોપીઓ પાસેથી 114 કરોડથી વધુની ઠગાઈની 125 અરજીઓ મળી આવી છે. ઉપરાંત રાજકોટમાંથી 4 આરોપીઓની ધરપકડ સાથે અંદાજે 59.79 લાખની ઠગાઈની વિગતો મળી છે.

હેલ્પલાઇન નંબર 1030 પર સંપર્ક કરો

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કમિશનની લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટની વિગતો કોઈને આપવી નહીં. જો કોઈ સાયબર ફ્રોડનો ભોગ બને તો તુરંત હેલ્પલાઇન નંબર 1030 પર સંપર્ક કરવા જણાવાયું છે.

આ પણ વાંચો—-     Surat : ઉમરામાં ઉદ્યોગપતિની પુત્રવધૂનો આપઘાત, લગ્નના 3 મહિનામાં જ ખ્યાતિ કેજરીવાલે જીવન ટૂંકાવ્યું

Leave a Comment