ભાવનગર જિલ્લાના પાલીતાણા સ્થિત પવિત્ર શેત્રુંજય ગિરિરાજ પર યાત્રિકોની સુરક્ષા રામભરોસે હોય તેમ લાગી રહ્યું છે. ગિરિરાજ પર સતત બીજા દિવસે લૂંટની ઘટના બનતા સમગ્ર જૈન સમાજ અને પ્રવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અજાણ્યા શખ્સો દ્વારા યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને નિશાન બનાવી સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી રહી છે.
લૂંટની ઘટનાઓ
ગઈકાલે પર્વત પર યાત્રા કરી રહેલા એક મહિલા પ્રવાસીને અટકાવી અજાણ્યા શખ્સો તેમની પાસેથી સોનાનો ચેઈન લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે ફરી એક યાત્રિકને છરી બતાવી મોતના ડર નીચે સોનાના ચેઈનની લૂંટ ચલાવવામાં આવી છે. ધોળા દિવસે પવિત્ર યાત્રાધામમાં હથિયાર બતાવી થતી લૂંટને કારણે સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે.
અખાત્રીજ પૂર્વે સુરક્ષા વધારવા માંગ
આગામી બે દિવસ બાદ અખાત્રીજનો પવિત્ર પર્વ છે, જેમાં હજારોની સંખ્યામાં જૈન યાત્રિકો ઉમટી પડશે. ત્યારે આ પ્રકારની ઘટનાઓથી યાત્રિકોમાં ડર વ્યાપી ગયો છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, સ્થાનિક લોકો અને યાત્રિકો દ્વારા અહીં કાયમી પોલીસ બંદોબસ્ત અને સિક્યુરિટી ફાળવવાની પ્રબળ માંગ ઉઠી છે.