ગુજરાતમાં દારૂબંધીના કાયદાને નેવે મૂકીને સંઘ પ્રદેશમાંથી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો હવે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસે એક સચોટ બાતમીના આધારે એસ.ટી. બસમાં મુસાફરોના વેશમાં દારૂની હેરાફેરી કરતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે 4 મહિલાઓ સહિત કુલ 6 બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
થેલાઓમાં છુપાવ્યો હતો દારૂ
બુટલેગરોએ પોલીસને થાપ આપવા માટે સેલવાસથી સુરત જતી એસ.ટી. બસનો સહારો લીધો હતો. તેઓ સામાન્ય મુસાફર બનીને બસમાં બેઠા હતા, પરંતુ તેમની પાસે રહેલા થેલાઓમાં કપડાં કે અન્ય સામાનને બદલે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો હતો. પોલીસે બસને અટકાવી તલાશી લેતા થેલાઓમાંથી ₹4.10 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
બુટલેગરોના બદલાતા નુસખા
પારડી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી તમામ 6 આરોપીઓની અટકાયત કરી છે. રાજ્યમાં પોલીસની કડક નજરને કારણે હવે બુટલેગરો લક્ઝરી ગાડીઓને બદલે જાહેર પરિવહનની બસોનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, પોલીસની સતર્કતાને કારણે બુટલેગરોનો આ નુસખો નિષ્ફળ સાબિત થયો છે. હાલ પોલીસ આ દારૂનો જથ્થો કોણે આપ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ કરી રહી છે.
આ પણ વાંચો—- Gandhinagarમાં ACBનો મસમોટો સપાટો: પ્રોપર્ટી કાર્ડ માટે રૂ.9.50 લાખની લાંચ માંગનાર નાયબ મામલતદાર ઝડપાયા