એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ગોલ્ડ (સોના) માં નબળાઈ ચાલુ રહી શકે છે. આ વર્ષે સોનું જાન્યુઆરીમાં 5,595 ડૉલર પ્રતિ ઔંસની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. જો કે, ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળ્યો છે. રેકોર્ડ ઊંચાઈથી આ આશરે 25 ટકા ક્રેશ થઈ ચૂક્યું છે. આનાથી એવા રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે કે, જેમણે કિંમતોમાં તેજી ચાલુ રહેવાની આશાએ મોટું રોકાણ કર્યું હતું.
એક્સપર્ટ્સનું કહેવું છે કે, સપ્તાહના અંતમાં દેશ અને વિદેશ બંનેમાં ગોલ્ડમાં હળવી તેજી જોવા મળી પરંતુ આ તેજી ચાલુ રહેવાની આશા નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ હળવી મજબૂતી સાથે 4,222 ડૉલર પ્રતિ ઔંસ પર હતું. બીજીબાજુ, ભારતમાં કોમોડિટી એક્સચેન્જ MCX પર આ 1.17 ટકા વધીને 1,50,675 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.
સ્ટેટ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના કોમોડિટી એનાલિસ્ટ આકાશ દોશીએ જણાવ્યું કે, હાલમાં સોના માટે બે પડકારો દેખાઈ રહ્યા છે. પહેલું, અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો વધવાની આશા છે. બીજું, ડૉલરમાં મજબૂતી છે. આ બંનેના કારણે ગોલ્ડ પર આગળ દબાણ વધી શકે છે. તેમણે કહ્યું કે, ગોલ્ડમાં તેજી ત્યારે જ આવી શકે છે, જ્યારે મિડલ ઈસ્ટ (મધ્યપૂર્વ) માં તણાવ ખતમ થઈ જશે અને ક્રૂડની કિંમતો ઘટીને 80 ડૉલર પ્રતિ બેરલ પર આવી જશે.
UBS નું કહેવું છે કે, ગોલ્ડમાં નબળાઈ ચાલુ રહી શકે છે. શોર્ટ ટર્મમાં ગોલ્ડ ઘટીને 3,850-4,000 ડૉલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. અમેરિકન સેન્ટ્રલ બેંકના વ્યાજ દર વધારવાની અસર ગોલ્ડ પર પડશે. વ્યાજ દર વધવા પર ગોલ્ડની ચમક ઘટી જાય છે. મધ્યપૂર્વમાં તણાવના કારણે ક્રૂડની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. આનાથી વિશ્વભરમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની કિંમતો વધી છે. આના કારણે અમેરિકા, ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધવાનો ખતરો વધ્યો છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે, ફેડરલ રિઝર્વ મોંઘવારીને વધતી અટકાવવા માટે આ વર્ષે વ્યાજ દરો વધારી શકે છે. બીજી તરફ, ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીની અસર પણ સોના પર પડી રહી છે. ડૉલરમાં મજબૂતીથી વિશ્વમાં અન્ય કરન્સીમાં ગોલ્ડ ખરીદવું મોંઘું થઈ જાય છે. આની અસર ગોલ્ડની ડિમાન્ડ પર પડે છે.
એનાલિસ્ટ્સની નજર સેન્ટ્રલ બેંકો (કેન્દ્રીય બેંકો) ની ગોલ્ડની ખરીદી પર ટકેલી છે. વિતેલા કેટલાક વર્ષોમાં ગોલ્ડમાં આવેલી અણધારી તેજીમાં સેન્ટ્રલ બેંકોની ગોલ્ડની ખરીદીનો મોટો હાથ રહ્યો છે. UBS નું કહેવું છે કે, સેન્ટ્રલ બેંકોની ગોલ્ડની ખરીદી 750-1,000 ટનની રેન્જમાં રહી શકે છે. તેણે એવું પણ કહ્યું છે કે, જો ગોલ્ડ 3,850-4,000 ડૉલર પ્રતિ ઔંસની રેન્જમાં આવી જાય છે, તો આ ખરીદી માટેની ઉત્તમ તક હોઈ શકે છે.





