Surendranagar News: ભૂંડ પકડવા મુદ્દે બે જૂથ આમનેસામને, બે જૂથો વચ્ચે સામસામે વાહનો અથડાવી હથિયારોથી હુમલો, 4 ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં ખારાઘોઢા રોડ પર ભૂંડ (ડુક્કર) પકડવાની બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે. ભૂંડ પકડવાની હદ નક્કી કરવાના વિવાદમાં બંને પક્ષોએ સામસામે વાહનો અથડાવી હથિયારો વડે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કુલ ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વાહનો અથડાવી શરૂ કરી મારામારી

ઘટનાની મળતી માહિતી અનુસાર, એક જૂથના લોકો પીકઅપ વાહનમાં ભૂંડ પકડીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ખારાઘોઢા રોડ પર બીજા જૂથના લોકોએ પોતાના વાહનો તેમની સાથે અથડાવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ બંને પક્ષના લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી તેમજ અન્ય હથિયારો વડે એકબીજા પર તૂટી પડ્યા હતા.

જૂનો વિવાદ ફરી વકર્યો

પાટડી પંથકમાં ભૂંડ પકડવાની હદને લઈને અવારનવાર વિવાદ થતા રહે છે. કયા વિસ્તારમાં કોણે ભૂંડ પકડવા તે બાબતે બંને જૂથો વચ્ચે અગાઉ પણ અનેકવાર બોલાચાલી અને ઘર્ષણ થઈ ચૂક્યું છે. આજે આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.

4 લોકો લોહીલુહાણ, પોલીસ દોડતી થઈ

આ અથડામણમાં બંને જૂથના મળી કુલ ચાર વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી પાટડીની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ પાટડી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

પોલીસે હાલ બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને ઘટના સ્થળે પંચનામું કરી વધુ તપાસ શરૂ કરી છે. જાહેર રોડ પર થયેલી આ મારામારીને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરાયા છે.

આ પણ વાંચો – Surendranagar: જોબાળામાં સગીરનું પાણીમાં ડુબી જવાથી મોત

Rajkot : મહિલા આરોગ્યકર્મીનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ, ડોક્ટર અને મહિલા અધિકારીના ત્રાસથી પગલું ભર્યાનો આક્ષેપ

રાજકોટમાં સરકારી તંત્રમાં કામ કરતી મહિલાઓની સુરક્ષા અને માનસિક સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના આરોગ્ય વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી કરાર આધારિત ફરજ બજાવતી આરતી પરમાર નામની મહિલા કર્મચારીએ ઉચ્ચ અધિકારીઓના કથિત ત્રાસથી કંટાળીને ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

શારીરિક અને માનસિક ત્રાસના ગંભીર આક્ષેપ

હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી આરતી પરમારે મીડિયા સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેણે આક્ષેપ કર્યો છે કે, આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાકાણી અને કિરણબેન નામની મહિલા અધિકારી દ્વારા તેને વારંવાર શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતી હતી. આરતીએ જણાવ્યું કે, “હું છેલ્લા ત્રણ વર્ષથી ઈમાનદારીથી નોકરી કરું છું, તેમ છતાં મને સતત હેરાન કરવામાં આવે છે. હદ તો ત્યારે થઈ જ્યારે મારો છેલ્લા મહિનાનો પગાર પણ અટકાવી દેવામાં આવ્યો.”

પોલીસની ભૂમિકા સામે સવાલ

પીડિત મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, આટલી ગંભીર ઘટના બની હોવા છતાં પોલીસ માત્ર તેની અરજી સ્વીકારી રહી છે, પરંતુ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધી ફરિયાદ લેવામાં આનાકાની કરી રહી છે. પગાર ન મળવાને કારણે અને સતત મળતા ત્રાસને કારણે આખરે કંટાળીને તેણે મોતનું વળગણ પકડ્યું હોવાનું જણાવ્યું છે. હાલમાં આરતી પરમારની હાલત સ્થિર છે. 

આ પણ વાંચો—-     Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર

Patan News : લક્ષ્મીપુરા ગામમાં ગઈકાલે ભારે પવન અને માવઠાને કારણે 20 મકાનોના છાપરા ઉડ્યા, વૃક્ષો ધરાશાયી થયાં

ગુજરાતમાં ગઈકાલે થયેલા કમોસમી વરસાદને કારણે અનેક ઠેકાણે અસર વર્તાઈ હતી. માવઠાને કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ ફૂંકાયેલા ભારે પવનને કારણે મકાનો અને વૃક્ષોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ઘર પાસે પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાનની અસર જોવા મળી છે. મકાનોના છાપરા પણ ઉડી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

ચાણસ્માના લક્ષ્મીપુરા ગામમાં તારાજી

ગઈકાલે પાટણ જિલ્લામાં ભારે પવન સાથે થયેલા માવઠાએ તારાજી સર્જી છે. ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણ વાડા પાસે આવેલા લક્ષ્મીપુરા ગામમાં તારાજી સર્જાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાં 20થી વધુ મકાનોના છાપરાં ઉડ્યા હતાં. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતાં. નુકસાની થયાની જાણ થતાં જ તલાટી સહિતની ટીમ દ્વારા નુકસાનીનો સરવે હાથ ધરવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા વીજ કંપનીના કર્મચારીઓ પણ પુરવઠો પૂર્વવત કરવા માટે કામે લાગી ગયાં છે. મકાન પાસે પાર્ક કરેલી કારને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચોઃ Rajkot News: પોલીસનો એક્શન પ્લાન, ગોંડલ ચોકડી પાસે ‘થાર’ ગાડીમાં દારૂની હેરાફેરી ઝડપાઈ

કોમનવેલ્થ સ્પોર્ટ ટિમના પ્રથમ ગુજરાત પ્રવાસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત

2030માં ગુજરાત અને અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટિમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોશીએસનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના DG વાળા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

Gujarat Weather Update: બપોરે ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન! ગરમીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હવે ઠંડીએ વિદાય લીધી છે અને સૂર્યદેવતા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો ઉંચકાતા લોકોએ આકરા ઉકળાટ અને ગરમીનો સામનો કરવો પડશે. છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, જે બાદ હવે હવામાન વિભાગ દ્વારા ગરમી વધવાની આગાહી કરી છે.

તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને બપોરના સમયે ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં ઉકળાટનું પ્રમાણ વધશે

માત્ર ઉત્તર કે મધ્ય ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના પંથકમાં પણ અસહ્ય ઉકળાટ રહેવાની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ અને વાતાવરણમાં ફેરફારને કારણે ભેજનું પ્રમાણ વધતા લોકો બફારાથી પરેશાન થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીની અસર જોવા મળશે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાનમાં થઈ રહેલા ફેરફાર અને દરિયાઈ પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. દરિયામાં કરંટ અથવા પવનની દિશામાં ફેરફાર થવાની ભીતિને પગલે આગામી સૂચના સુધી માછીમારોને કિનારા પર જ રહેવા જણાવાયું છે.

ચાલુ વર્ષે ગરમી વહેલી શરૂ થતા અને પારો ઉંચકાતા ખેતીના પાક પર પણ તેની અસર જોવા મળી શકે છે. તંત્ર દ્વારા લોકોને ગરમીથી બચવા માટે વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા અને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો – વિવાદ બાદ ખડગેએ નમતું જોખ્યું, ગુજરાતીઓની માંગી માફી, કહ્યું- ‘મારા દિલમાં ગુજરાત માટે હંમેશા આદર રહેશે’