સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વેલુક ગામે એક વૃદ્ધની કરપીણ હત્યાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. ગામના ચોરા પાસે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મનહર પટેલ નામના વૃદ્ધ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
પીવીસી પાઈપ વડે હુમલો
મળતી માહિતી મુજબ, મનહર પટેલ જ્યારે ગામના ચોરા પાસે હાજર હતા, ત્યારે કોઈ અગમ્ય કારણોસર થયેલી તકરારમાં શખ્સોએ ઉશ્કેરાઈને પીવીસી પાઈપ વડે તેમના પર હુમલો કર્યો હતો. પાઈપના આડેધડ ફટકા વાગવાથી મનહર પટેલને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઓલપાડ પોલીસે હાથ ધરી તપાસ
ગામના મધ્યમાં જ વૃદ્ધની હત્યાની ઘટના બનતા ગ્રામજનોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ ઓલપાડ પોલીસનો કાફલો વેલુક ગામે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હુમલો કોણે અને કયા કારણોસર કર્યો તે દિશામાં પોલીસે શકમંદોની પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો— Ahmedabadમાં ગાયના શુદ્ધ ઘી ના નામે વેચાતા ઝેરનો પર્દાફાશ, 400 કિલો નકલી ઘી નો જથ્થો જપ્ત