Suratમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

સુરત શહેરમાં ભારે વરસાદ અને પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સુરતની મુલાકાતે આવ્યા છે. પૂર પ્રભાવિત નાગરિકોની મુશ્કેલીઓ જાણવા અને સ્થિતિનો તાગ મેળવવા માટે તેમણે સુરતના વિવિધ વિસ્તારોમાં જાતે જઈને પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ મુખ્યત્વે ઋષિવિહાર, કાંગારૂ સર્કલ અને પર્વત પાટિયા જેવા ભારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી.

સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા

આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રીની સાથે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. મંત્રીએ સ્થળ પર જ અધિકારીઓ સાથે બેઠક યોજીને હાલ ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. પૂરના પાણી ઓસર્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં સર્જાયેલી મુશ્કેલીઓ અને લોકોને પડી રહેલી અગવડતાઓ વિશે તેમણે તંત્ર પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.

જનજીવન વહેલી તકે સામાન્ય બનાવવા કામ કરવા તાકીદ

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન, પીવાના પાણીની શુદ્ધિ અને રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવે. તેમણે નાગરિકોનું જનજીવન વહેલી તકે રાબેતા મુજબ અને સામાન્ય બને તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા તાકીદ કરી હતી. સરકાર દ્વારા અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવાની ખાતરી પણ આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment