Ahmedabad News: દક્ષિણ ઝોનમાં 11 આવાસ યોજનાના જર્જરિત મકાનો ખાલી કરાવવા મનપા એક્શનમાં આવી

અમદાવાદ શહેરમાં અનેક સરકારી આવાસ યોજનાઓ છે. વર્ષો જૂની આ આવાસ યોજનાઓના મકાનો હવે જર્જરિત થઈ ગયાં છે. જેથી તેને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. શહેરના દક્ષિણ ઝોનમાં આ પ્રકારની 11 આવાસ યોજનાઓ જર્જરિત હોવાના રિપોર્ટ બાદ મનપાનું તંત્ર હરકતમાં આવ્યું છે.ગત વર્ષે પણ નોટીસ આપવા છતાં આવાસમાં રહેતા લોકોએ મકાનો ખાલી નહોતા કર્યા જેથી હવે કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. 

અંદાજે 115 બ્લોક મા 3073 મકાનો આવેલ છે

અમદાવાદમાં દક્ષિણ ઝોનમાં સ્થિત આવાસ યોજનાઓ પૈકીની 11 આવાસ યોજનાઓ હાલમાં જર્જરિત હોવાનો રિપોર્ટ ગત વર્ષે આપવામાં આવ્યો હતો. જો કે, મનપાના હાઉસિંગ વિભાગમાં કામગીરી ગોકળગતિ અને ચૂંટણીના કારણે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ચોમાસામાં લોકોએ જર્જરિત થયેલા મકાનોમાં રહેવાની સ્થિતિ ઉભી થઈ છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી પૂર્ણ કરીને પણ હાઉસિંગમાં ટેન્ડર પ્રક્રિયા નહીં થતાં હવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ તમામ 11 ક્વાટર્સ વિસ્તારમાં અંદાજે 115 બ્લોક મા 3073 મકાનો આવેલ છે.

યોજનાઓમાં svnitના રિપોર્ટ પ્રમાણે નોટીસો અપાઈ

આ તમામ આવાસ યોજનાઓમાં રહેતા લોકો મકાનો ખાલી કરવા માટે તૈયાર છે તેમણે મનપાને સંમતિ પણ આપી છે. છતાં મનપાની ધીમી કામગીરીને કારણે લોકોએ ચોમાસામાં પણ હેરાન થવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. દક્ષિણ ઝોનમાં મનપાના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કિશોર પટેલના જણાવ્યા પ્રમાણે, 11 આવાસ યોજનાઓમાં svnitના રિપોર્ટ પ્રમાણે નોટીસો અપાઈ છે. મકાન ખાલી કરવા માટે ડ્રેનેજ કાપવાની પણ કામગીરી કરીએ છીએ. જાહેર નોટીસ પણ આપવામાં આવી છે. મનપાની કામગીરી વચ્ચે પણ લોકો જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર છે. મકાનોની હાલત જોતા વરસાદમાં કોઈ પણ સમયે ધરાશાયી થાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.  

આ પણ વાંચોઃ Mehsana News: વહીવટદાર નિમાયા બાદ હાટકેશ્વર મંદિરનો કબજો મેળવા તજવીજ, પક્ષકારો વચ્ચે કાનૂની લડાઈ તેજ

Leave a Comment