Kheda : જમીન કૌભાંડમાં અમદાવાદના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિર્મિઝીની ધરપકડ, બોગસ પેઢીનામું બનાવી ખેડૂત બનવાનો ખેલ ઉઘાડો પડ્યો

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પુનાદરા ગામમાં ગાજેલા જમીન કૌભાંડમાં નડીઆદ એલસીબીએ મોટી સફળતા મેળવી છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિર્મિઝીની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ બોગસ પેઢીનામું ઉભું કરીને ખેડૂત તરીકે જમીન ખરીદવાનો કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું છે.

શું છે સમગ્ર કૌભાંડ?

આરોપી તસ્લીમ તિર્મિઝીએ દિમાગરા ગામમાં ખેડૂત તરીકે સ્થાપિત થવા માટે કથિત રીતે નકલી દસ્તાવેજો અને બોગસ પેઢીનામું તૈયાર કર્યું હતું. આ મામલે પુનાદરા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આતરસુંબા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદ નડીઆદ એલસીબીએ તપાસનો ધમધમાટ તેજ કરી પૂર્વ કોર્પોરેટરને દબોચી લીધા હતા.

LCBએ 5 દિવસના રિમાન્ડ માંગ્યા

આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તસ્લીમ તિર્મિઝીને કપડવંજ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. બીજી તરફ, આ વિવાદની અસર સ્થાનિક પ્રશાસન પર પણ જોવા મળી છે. પુનાદરા ગ્રામ પંચાયતના તલાટી ફરિયાદ નોંધાવ્યા બાદ રહસ્યમય રીતે રજા પર ઉતરી ગયા છે, જેના કારણે આજે બપોરના સમયે ગ્રામ પંચાયતને ‘ખંભાતી તાળા’ વાગેલા જોવા મળ્યા હતા. હાલ પોલીસ આ કૌભાંડમાં અન્ય કોઈ સરકારી કર્મચારી કે મધ્યસ્થી સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.

આ પણ વાંચો—-      Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર

Leave a Comment