Junagadh : અગરબત્તીના કેમિકલથી બનાવાતો હતો દેશી દારૂ, ઝેરી પ્રવાહી પીવાથી 4 લોકો બીમાર

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતો અને લોકોના જીવ સાથે રમત રમતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો છે. જૂનાગઢમાં નશાનો કાળો કારોબાર ચલાવવા માટે માનવ જિંદગીને જોખમમાં મૂકીને અગરબત્તી બનાવવા માટે વપરાતા અત્યંત ઝેરી કેમિકલથી દારૂ તૈયાર કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. આ મામલે જૂનાગઢના ઇન્ચાર્જ પોલીસ વડા રોહિત ડગરે સત્તાવાર નિવેદન આપીને સમગ્ર નેટવર્ક અંગે વિગતો જાહેર કરી છે. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરીને આ અતિ ગંભીર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અગરબત્તી બનાવવાના લિક્વિડ કેમિકલનો ઉપયોગ

ઇન્ચાર્જ એસપી રોહિત ડગરે જણાવ્યું હતું કે, પકડાયેલો આરોપી અગરબત્તી બનાવવાના લિક્વિડ કેમિકલ અને ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ નો ઉપયોગ કરીને આ નકલી દેશી દારૂ તૈયાર કરતો હતો.

4 લોકોને અસર થઇ

 આ ઝેરી કેમિકલ યુક્ત શંકાસ્પદ પીણું પીવાના કારણે હાલમાં 4 લોકો ગંભીર રીતે બીમાર પડ્યા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ આ ચાર દર્દીઓ પૈકી બે લોકોની હાલત હજુ પણ અત્યંત નાજુક અને ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

ઝેરી પીણાથી કોઈનું મૃત્યુ થયું નથી

આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર પંથકમાં લઠ્ઠાકાંડના કારણે મોત થયા હોવાની અફવાઓ ઉડી હતી. જો કે, ઇન્ચાર્જ એસપીએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ ઝેરી પીણાથી કોઈનું મૃત્યુ થયું નથી અને મોતની તમામ અફવાઓ તદ્દન પાયાવિહોણી છે. પોલીસે ઘટનાસ્થળેથી મળી આવેલા ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ અને અન્ય શંકાસ્પદ કેમિકલના સેમ્પલ મેળવીને તાત્કાલિક એફએસએલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. પોલીસે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે લોકોના જીવ સાથે રમત રમનારા તમામ દોષિતો સામે કાયદાની સૌથી કડક કલમો હેઠળ ગુનો નોંધીને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો—–    Gujarat Latest News LIVE : પહેલા જ વરસાદમાં અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલી, રામોલમાં રોડ બેસી ગયો

Leave a Comment