Kheda: સગીરા પર દૂષ્કર્મ, કપડવંજના શખ્સને 10 વર્ષની કેદ

કપડવંજના એક યુવકે એક સગીરા યુવતી ને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપીને 27 સપ્ટેમ્બર 2024માં ગેસ્ટ હાઉસમાં લઇ જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં કપડવંજ સેશન્સ કોર્ટે આરોપીને કસુરવાર ઠરાવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.સગીરાને રૂ. 4 લાખ વળતર ચુકવવાનો હુકમ પણ કોર્ટે કર્યો હતો.

કપડવંજ શહેરના દાણા રોડ પર આવેલી રામબાગ સોસાયટીમાં રહેતા ઘનશ્યામ ઉર્ફે ભયલો ધર્મેશભાઇ ડબગરે એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ ઘનશ્યામે સગીરાને લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી લાલચ આપી હતી.

ગત તા. 27 સપ્ટેમ્બર 2024ના રોજ યુવકે સગીરાને કપડવંજ -નડિયાદ રોડ પર આવેલા આવકાર ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. ત્યાં રૂમ નંબર 117માં યુવકે સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ સંદર્ભે સગીરાના સંબંધીની ફરિયાદના આધારે કપડવંજ શહેર પોલીસે ઘનશ્યામ ઉર્ફે ભયલો ધર્મેશભાઇ ડબગર વિરૂદ્ધ પોસ્કો એકટ મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી ઘનશ્યામ ડબગરની ધરપકડ કરીને તેના વિરૂદ્ધ ચાર્જશીટ બનાવીને કપડવંજ સેશન્સ કોર્ટમાં મૂકી હતી. આ કેસની સુનાવણી કપડવંજ સેશન્સ કોર્ટમાં હાથ ધરાતાં સરકારી વકીલ મિનેષ આર પટેલની દલીલો અને પુરાવાઓ ગ્રાહ્ય રાખ્યા બાદ ન્યાયાધિશ કે.એેસ .પટેલે આરોપી ઘનશ્યામ ઉર્ફે ભયલો ધર્મેશભાઇ ડબગરને કસુરવાર ઠરાવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. અને કુલ રૂ. 7500 દંડ , દંડ નભરે તો વધુ પાંચ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ગુજરાત વિકટીમ કોમ્પેસેશન સ્કીમની જોગવાઇ મુજબ ભોગબનનાર સગીરાને રૂ. 4 લાખ ચુકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદને આદેશ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment