ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસ અગાઉ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. 3 નો વધારો કરવામાં આવતાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં શનિવારે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં આવેલ સિદ્ધપુર ચોકડી પર ચકકાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ટ્રાફ્કિ જામ થઈ જતાં પોલીસ દોડી આવી હતી અને વિરોધ કરી રહેલા કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.
શનિવારે પાટણમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા રાજ્યમાં થયેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા બાદ સિદ્ધપુર ચોકડી પાસે ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. જે દરમિયાન ટ્રાફ્કિ જામ થઈ જતાં પોલીસ દોડી આવી હતી અને વિરોધ કરી રહેલા કોંગી આગેવાનોની અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગી આગેવાનોએ? સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી તાત્કાલિક અસરથી ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી. તદ્પરાંત સરકાર સામે આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યની પ્રજાને ભોળવી ખોબલે ખોબલે મત લીધા બાદ ચુંટણી પુરી થતાં જ તોતિંગ ભાવ વધારો ઝીંકી દીધો છે. વધુમાં ચીમકી ઉચ્ચારી હતી કે ભાવ વધારો પરત નહીં ખેંચાય તો આગામી સમયમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરીને વધુ ઉગ્ર આંદોલન કરશે.