રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વેપારીઓની નજર ચૂકવી ચોરી કરતી એક ટોળકીના મુખ્ય સૂત્રધાર વિકી સેખલીયા (રહે. ગારિયાધાર) અને બે સગીર સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ટોળકીની ચોરી કરવાની પદ્ધતિ (Modus Operandi) અત્યંત ચાલાકીભરી હતી. તેઓ ખાસ કરીને એવી દુકાનોની રેકી કરતા જ્યાં ઉંમરલાયક વેપારી એકલા બેઠા હોય. ત્યારબાદ, એક શખ્સ નાની વસ્તુ લેવાના બહાને વેપારીને વાતોમાં પરોવી દુકાનની અંદર લઈ જતો, જ્યારે બીજો સાગરીત ગલ્લા કે ટેબલ પર રાખેલી રોકડ રકમ સેરવીને પળવારમાં ફરાર થઈ જતો હતો.
ભક્તિનગર પોલીસ સ્ટેશનની ફરિયાદથી ભેદ ઉકેલાયો
આ ટોળકીએ ગત 1 મે, 2026ના રોજ રાજકોટના હુડકો શાક માર્કેટ પાસે જલારામ ઇમિટેશન સ્ટોર ચલાવતા 58 વર્ષીય ભરતભાઇ ગોટેયાને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ તેલની શીશી લેવાના બહાને વેપારીને વાતોમાં રાખી ટેબલ પર રાખેલું 85,000 રૂપિયાની રોકડ ભરેલું જબલું ચોરી લીધું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે આ ટોળકીને પકડી પાડી છે. તેમની પાસેથી 2.58 લાખની રોકડ અને એક વેન્યુ કાર મળી કુલ 7.58 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી વિકી વિરુદ્ધ અગાઉ પણ ચોરી અને મારામારીના ગુના નોંધાયેલા છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 ગુનાની કબૂલાત
પકડાયેલી ટોળકીએ પ્રાથમિક પૂછપરછમાં રાજકોટમાં 2, ભાવનગરના સણોસરામાં 13 હજાર, વાસદમાં બિયારણની દુકાનમાંથી 1 લાખ, નવસારી અને ચીખલીમાં અલગ-અલગ દુકાનોમાંથી હજારો રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. પોલીસે વેપારીઓને અપીલ કરી છે કે દુકાનમાં એકસાથે 3-4 અજાણ્યા શખ્સો આવે ત્યારે સતર્ક રહેવું. ગલ્લા કે રોકડ રાખવાના ખાનાને હંમેશા લોક રાખવા. દુકાનમાં સીસીટીવી કેમેરા ચોક્કસ લગાવવા જેથી ગુનાનો ભેદ ઉકેલવામાં સરળતા રહે. હાલ ભક્તિનગર પોલીસે આરોપીઓનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકી ઝડપાતા સૌરાષ્ટ્રના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.