Surendranagar : નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે 1.22 કરોડની અપ્રમાણસર મિલકત મળતા ખળભળાટ, ACB એ નોંધ્યો ગુનો

ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતી એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સુરેન્દ્રનગરમાં મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી વિરુદ્ધ અપ્રમાણસર મિલકત (DA) નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીએ પોતાની કાયદેસરની આવક કરતા ₹1.22 કરોડથી વધુની મિલકત ગેરકાયદેસર રીતે એકત્રિત કરી છે.

12 વર્ષમાં ઊભું કર્યું કાળું નાણું

ACB ના જોઈન્ટ ડાયરેક્ટર પિયુષ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસમાં સામે આવ્યું છે કે, ચંદ્રસિંહ મોરીએ વર્ષ 2013 થી 2025 ના સમયગાળા દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો. તેમની પાસે કુલ આવકના 56.89% જેટલી વધુ મિલકત મળી આવી છે. આ મામલાની ગંભીરતાને જોતા ખાસ SITની રચના કરવામાં આવી છે, જે આરોપીએ સગા-સંબંધીઓના નામે કરેલા રોકાણોની પણ ઊંડી તપાસ કરી રહી છે.

આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં

મહત્વનું છે કે, આરોપી ચંદ્રસિંહ મોરી અન્ય એક કેસમાં હાલ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટના આદેશથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જોકે, હવે ACB એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ નવો ગુનો નોંધી તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. સરકારી બાબુ દ્વારા આટલી મોટી માત્રામાં અપ્રમાણસર મિલકત વસાવવાના ખુલાસાથી સમગ્ર મહેસૂલ વિભાગમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આ પણ વાંચો—      Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર

Surat: ટિન્ડર એપ પર દોસ્તી કરવા જતા શિક્ષક લૂંટાયો, અવાવરું જગ્યાએ માર મારી 2 શખ્સોએ 30 હજાર પડાવ્યા

આજના ડિજિટલ યુગમાં ડેટિંગ એપ્સનો ઉપયોગ સાવચેતી વગર કરવો કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે, તેનો જીવંત દાખલો સુરતના વરિયાવ વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં એક શાળાના શિક્ષકને ટિન્ડર એપ દ્વારા પ્રેમજાળમાં ફસાવી, લૂંટારુઓએ માર મારી હજારો રૂપિયા પડાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. જોકે, સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગેંગના બે સાગરીતોને ઝડપી લીધા છે.

બ્લેકમેઈલિંગનો ખેલ

મળતી માહિતી મુજબ, શિક્ષકે ટિન્ડર એપ પર એક આઈડી સાથે વાતચીત શરૂ કરી હતી. સામે પક્ષેથી વ્યક્તિએ તેમને મળવા માટે વરિયાવ વિસ્તારની એક અવાવરું જગ્યાએ બોલાવ્યા હતા. શિક્ષક જેવા ત્યાં પહોંચ્યા, કે તરત જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ બે શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. લૂંટારુઓએ શિક્ષકને બેફામ માર માર્યો હતો અને તેમનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો.

પોલીસનો સંપર્ક કર્યો

આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શિક્ષકને બ્લેકમેઈલ કરવામાં આવ્યા હતા. બદનામીના ડરથી શિક્ષકે લૂંટારુઓને 30,000 આપી દીધા હતા. પરંતુ લૂંટારુઓની લાલચ વધતા શિક્ષકે આખરે હિંમત કરી પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસે જાળ બિછાવી દબોચ્યા

શિક્ષકની ફરિયાદના આધારે સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી છટકું ગોઠવ્યું હતું. લૂંટારુઓ જ્યારે વધુ પૈસા લેવા આવ્યા ત્યારે જ પોલીસે બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે આ ટોળકીએ અગાઉ કેટલા લોકોને આ રીતે શિકાર બનાવ્યા છે.

આ પણ વાંચો—-     Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર

Banaskantha News: પાલનપુર પોક્સો કોર્ટે સગીરાને ગર્ભવતી બનાવનાર નરાધમને ફટકારી 20 વર્ષની કેદ, ચુકવવું પડશે 10.50 લાખનું વળતર

બનાસકાંઠા જિલ્લાની પાલનપુર પોક્સો કોર્ટે સગીરાના શોષણના એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપી દેવાભાઈ રાજાભાઈ કોદરવીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે પીડિતાને ન્યાય અપાવવા માટે આકરા વલણ સાથે મોટા આર્થિક વળતરનો પણ આદેશ કર્યો છે.

શું હતો સમગ્ર મામલો?

કેસની વિગત મુજબ, આરોપી દેવાભાઈ કોદરવીએ પાલનપુર પંથકની એક સગીરાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને અલગ-અલગ સ્થળોએ લઈ જઈને તેની મરજી વિરૂદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અમાનવીય કૃત્યને કારણે પીડિત સગીરા ગર્ભવતી બની હતી અને તેણે બે બાળકોને જન્મ આપ્યો હતો. નાની ઉંમરે સગીરા પર થયેલા આ અત્યાચારે સમાજમાં ભારે રોષ જગાડ્યો હતો.

કોર્ટનું કડક વલણ અને સજા

પાલનપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આ કેસને ગંભીરતાથી લઈ તમામ પુરાવાઓ અને સાક્ષીઓની તપાસ બાદ આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી દેવા રાજા કોદરવીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે 14 હજાર રૂપિયાનો દંડ કર્યો છે. આ સાથે પીડિતા અને તેના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી 10 લાખ 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

ન્યાયની જીત

સગીરાના શોષણના આ કેસમાં કોર્ટે જે રીતે કડક સજા સંભળાવી છે, તેનાથી નરાધમોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પીડિતા જે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ હતી, તેને આ ચુકાદાથી મોડો પણ સાચો ન્યાય મળ્યો છે. સરકારી વકીલની ધારદાર દલીલો અને પોલીસની તપાસને અંતે કોર્ટે આ ઐતિહાસિક સજાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો – Banaskantha: લવ જેહાદની ચોંકાવનારી ઘટના, 5 વિધર્મીઓએ મહિલાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

Kheda : જમીન કૌભાંડમાં અમદાવાદના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિર્મિઝીની ધરપકડ, બોગસ પેઢીનામું બનાવી ખેડૂત બનવાનો ખેલ ઉઘાડો પડ્યો

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પુનાદરા ગામમાં ગાજેલા જમીન કૌભાંડમાં નડીઆદ એલસીબીએ મોટી સફળતા મેળવી છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિર્મિઝીની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ બોગસ પેઢીનામું ઉભું કરીને ખેડૂત તરીકે જમીન ખરીદવાનો કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું છે.

શું છે સમગ્ર કૌભાંડ?

આરોપી તસ્લીમ તિર્મિઝીએ દિમાગરા ગામમાં ખેડૂત તરીકે સ્થાપિત થવા માટે કથિત રીતે નકલી દસ્તાવેજો અને બોગસ પેઢીનામું તૈયાર કર્યું હતું. આ મામલે પુનાદરા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આતરસુંબા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદ નડીઆદ એલસીબીએ તપાસનો ધમધમાટ તેજ કરી પૂર્વ કોર્પોરેટરને દબોચી લીધા હતા.

LCBએ 5 દિવસના રિમાન્ડ માંગ્યા

આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તસ્લીમ તિર્મિઝીને કપડવંજ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. બીજી તરફ, આ વિવાદની અસર સ્થાનિક પ્રશાસન પર પણ જોવા મળી છે. પુનાદરા ગ્રામ પંચાયતના તલાટી ફરિયાદ નોંધાવ્યા બાદ રહસ્યમય રીતે રજા પર ઉતરી ગયા છે, જેના કારણે આજે બપોરના સમયે ગ્રામ પંચાયતને ‘ખંભાતી તાળા’ વાગેલા જોવા મળ્યા હતા. હાલ પોલીસ આ કૌભાંડમાં અન્ય કોઈ સરકારી કર્મચારી કે મધ્યસ્થી સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.

આ પણ વાંચો—-      Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર

Mallikarjun Kharge Controversy: ખડગેની માફી અસ્વીકાર્ય, દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય બહાર ગુજરાતીઓનો પ્રચંડ વિરોધ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને ‘અભણ અને મૂર્ખ’ કહેવા મામલે વિવાદ વકર્યો છે. આ મામલે ખડગેએ સોશિયલ મીડિયા પર માફી માંગી હોવા છતાં, ભાજપે તેને અસ્વીકાર્ય ગણાવી છે. આજે દિલ્હીમાં લોકસભા સાંસદ અને ભાજપના સહ-પ્રવક્તા ધવલ પટેલની આગેવાનીમાં સમસ્ત ગુજરાતી સમાજે કોંગ્રેસ મુખ્યાલય બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી શક્તિપ્રદર્શન કર્યું હતું.

દિલ્હીના માર્ગો પર ગુંજી ગુજરાતીઓની સિંહ ગર્જના

સાંસદ ધવલ પટેલે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓનું અપમાન કરીને કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. તેમની માફી માત્ર દેખાડો છે અને તે અમને મંજૂર નથી. આજે દિલ્હીમાં સમસ્ત ગુજરાતી સમાજે એકઠાં થઈને કોંગ્રેસના અહંકારને લપડાક લગાવી છે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓ સામે સવાલોના પ્રહાર

ધવલ પટેલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીને આડેહાથ લેતા પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે તમારા રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતીઓ વિશે આટલી અપમાનજનક ટિપ્પણી કરી છે, ત્યારે તમે ખડગેને સપોર્ટ કરશો કે ગુજરાત અને ગુજરાતીઓને? શું તમે તમારા નેતાના આ નિવેદનને વખોડો છો ખરા?

આ લડાઈ ગુજરાતી ગૌરવની છે

વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે, આ લડાઈ માત્ર રાજકીય નથી, પરંતુ ગુજરાતની ગરિમા અને સ્વાભિમાનની છે. ગુજરાતનો ઇતિહાસ બહાદુરી અને સાહસનો રહ્યો છે, ત્યારે કોઈ પણ પક્ષ કે નેતા સમગ્ર રાજ્યના નાગરિકોને નીચું દેખાડે તે સહન કરવામાં આવશે નહીં.

કોંગ્રેસ કાર્યાલય બહાર ધરણા

દિલ્હી સ્થિત કોંગ્રેસના રાષ્ટ્રીય મુખ્યાલયની બહાર મોટી સંખ્યામાં ગુજરાતીઓ એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ માગ કરી હતી કે, જાહેર પ્લેટફોર્મ પર ગુજરાતની ગરિમાને અપમાનિત કરવાની આ પ્રથાનો કાયમી અંત આવવો જોઈએ. જ્યારે પણ ગુજરાતના સ્વાભિમાનને પડકારવામાં આવશે, ત્યારે ગુજરાતનો દરેક પુત્ર અને પુત્રી એક થઈને જવાબ આપશે તેવી ગર્જના પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો – મલ્લિકાર્જુન ખડગેએ નમતું જોખ્યું, ગુજરાતીઓની માફી માંગતા કહ્યું- ‘મારો ઇરાદો ઠેસ પહોંચાડવાનો ન હતો’

Ahmedabad : બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મણિનગરમાં લોન્ચ કરાયો 1360 મેટ્રિક ટનનો અત્યાર સુધીનો સૌથી ભારે ગર્ડર

ભારતનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી હવે પૂરજોશમાં અને અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે આગળ વધી રહી છે. આ કડીમાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક એવી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે જેણે ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. મણિનગરમાં બુલેટ ટ્રેન માટે અત્યાર સુધીનો સૌથી વજનદાર અને વિશાળ બીમ (ગર્ડર) સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે.

3 કલાક અને 30 મિનિટનું જટિલ ઓપરેશન

આ કોઈ સામાન્ય ગર્ડર નથી, પરંતુ તેનું વજન અધધ… 1360 મેટ્રિક ટન છે. આટલા વિશાળ ગર્ડરને સુરક્ષિત રીતે તેના સ્થાને ગોઠવવા માટે રેલવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના એન્જિનિયરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર લોન્ચિંગ પ્રક્રિયામાં કુલ 3 કલાક અને 30 મિનિટનો સમય લાગ્યો હતો. પ્રોજેક્ટની જટિલતાને જોતા આ એક ખૂબ જ મહત્વપૂર્ણ માઈલસ્ટોન ગણવામાં આવી રહ્યો છે.

આવા વધુ 5 ગર્ડર લોન્ચ થશે

મણિનગર વિસ્તારમાં ટ્રેકના નિર્માણ માટે આવા કુલ 5 ગતિશીલ ગર્ડર લોન્ચ કરવામાં આવનાર છે, જેમાંથી આ પ્રથમ અને સૌથી પડકારજનક કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સફળતા બાદ હવે અમદાવાદમાં બુલેટ ટ્રેનના ટ્રેક અને પ્લેટફોર્મની કામગીરીમાં વધુ ગતિ આવશે તેવી શક્યતા છે..

આ પણ વાંચો—    Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર

Surendranagar News: ભૂંડ પકડવા મુદ્દે બે જૂથ આમનેસામને, બે જૂથો વચ્ચે સામસામે વાહનો અથડાવી હથિયારોથી હુમલો, 4 ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં ખારાઘોઢા રોડ પર ભૂંડ (ડુક્કર) પકડવાની બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે. ભૂંડ પકડવાની હદ નક્કી કરવાના વિવાદમાં બંને પક્ષોએ સામસામે વાહનો અથડાવી હથિયારો વડે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કુલ ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વાહનો અથડાવી શરૂ કરી મારામારી

ઘટનાની મળતી માહિતી અનુસાર, એક જૂથના લોકો પીકઅપ વાહનમાં ભૂંડ પકડીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ખારાઘોઢા રોડ પર બીજા જૂથના લોકોએ પોતાના વાહનો તેમની સાથે અથડાવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ બંને પક્ષના લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી તેમજ અન્ય હથિયારો વડે એકબીજા પર તૂટી પડ્યા હતા.

જૂનો વિવાદ ફરી વકર્યો

પાટડી પંથકમાં ભૂંડ પકડવાની હદને લઈને અવારનવાર વિવાદ થતા રહે છે. કયા વિસ્તારમાં કોણે ભૂંડ પકડવા તે બાબતે બંને જૂથો વચ્ચે અગાઉ પણ અનેકવાર બોલાચાલી અને ઘર્ષણ થઈ ચૂક્યું છે. આજે આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.

4 લોકો લોહીલુહાણ, પોલીસ દોડતી થઈ

આ અથડામણમાં બંને જૂથના મળી કુલ ચાર વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી પાટડીની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ પાટડી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

પોલીસે હાલ બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને ઘટના સ્થળે પંચનામું કરી વધુ તપાસ શરૂ કરી છે. જાહેર રોડ પર થયેલી આ મારામારીને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરાયા છે.

આ પણ વાંચો – Surendranagar: જોબાળામાં સગીરનું પાણીમાં ડુબી જવાથી મોત

Rajkot : મહિલા આરોગ્યકર્મીનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ, ડોક્ટર અને મહિલા અધિકારીના ત્રાસથી પગલું ભર્યાનો આક્ષેપ

રાજકોટમાં સરકારી તંત્રમાં કામ કરતી મહિલાઓની સુરક્ષા અને માનસિક સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના આરોગ્ય વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી કરાર આધારિત ફરજ બજાવતી આરતી પરમાર નામની મહિલા કર્મચારીએ ઉચ્ચ અધિકારીઓના કથિત ત્રાસથી કંટાળીને ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

શારીરિક અને માનસિક ત્રાસના ગંભીર આક્ષેપ

હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી આરતી પરમારે મીડિયા સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેણે આક્ષેપ કર્યો છે કે, આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાકાણી અને કિરણબેન નામની મહિલા અધિકારી દ્વારા તેને વારંવાર શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતી હતી. આરતીએ જણાવ્યું કે, “હું છેલ્લા ત્રણ વર્ષથી ઈમાનદારીથી નોકરી કરું છું, તેમ છતાં મને સતત હેરાન કરવામાં આવે છે. હદ તો ત્યારે થઈ જ્યારે મારો છેલ્લા મહિનાનો પગાર પણ અટકાવી દેવામાં આવ્યો.”

પોલીસની ભૂમિકા સામે સવાલ

પીડિત મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, આટલી ગંભીર ઘટના બની હોવા છતાં પોલીસ માત્ર તેની અરજી સ્વીકારી રહી છે, પરંતુ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધી ફરિયાદ લેવામાં આનાકાની કરી રહી છે. પગાર ન મળવાને કારણે અને સતત મળતા ત્રાસને કારણે આખરે કંટાળીને તેણે મોતનું વળગણ પકડ્યું હોવાનું જણાવ્યું છે. હાલમાં આરતી પરમારની હાલત સ્થિર છે. 

આ પણ વાંચો—-     Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર

Patan News : લક્ષ્મીપુરા ગામમાં ગઈકાલે ભારે પવન અને માવઠાને કારણે 20 મકાનોના છાપરા ઉડ્યા, વૃક્ષો ધરાશાયી થયાં

ગુજરાતમાં ગઈકાલે થયેલા કમોસમી વરસાદને કારણે અનેક ઠેકાણે અસર વર્તાઈ હતી. માવઠાને કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ ફૂંકાયેલા ભારે પવનને કારણે મકાનો અને વૃક્ષોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ઘર પાસે પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાનની અસર જોવા મળી છે. મકાનોના છાપરા પણ ઉડી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

ચાણસ્માના લક્ષ્મીપુરા ગામમાં તારાજી

ગઈકાલે પાટણ જિલ્લામાં ભારે પવન સાથે થયેલા માવઠાએ તારાજી સર્જી છે. ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણ વાડા પાસે આવેલા લક્ષ્મીપુરા ગામમાં તારાજી સર્જાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાં 20થી વધુ મકાનોના છાપરાં ઉડ્યા હતાં. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતાં. નુકસાની થયાની જાણ થતાં જ તલાટી સહિતની ટીમ દ્વારા નુકસાનીનો સરવે હાથ ધરવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા વીજ કંપનીના કર્મચારીઓ પણ પુરવઠો પૂર્વવત કરવા માટે કામે લાગી ગયાં છે. મકાન પાસે પાર્ક કરેલી કારને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચોઃ Rajkot News: પોલીસનો એક્શન પ્લાન, ગોંડલ ચોકડી પાસે ‘થાર’ ગાડીમાં દારૂની હેરાફેરી ઝડપાઈ

કોમનવેલ્થ સ્પોર્ટ ટિમના પ્રથમ ગુજરાત પ્રવાસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત

2030માં ગુજરાત અને અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટિમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોશીએસનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના DG વાળા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.