સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે બનાસકાંઠા ભાજપમાં ભડકો થયો છે. વાવ-થરાદ પંથકના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ભુરાજી ઠાકોરે રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરી ખળભળાટ મચાવી દીધો છે. ભુરાજી ઠાકોરે ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે મંત્રીએ પક્ષમાં ‘વ્હાલા-દવાલા’ની નીતિ અપનાવી ભાજપની ઘોર ખોદી છે.
ટિકિટ ફાળવણીમાં અન્યાયનો આક્ષેપ
ભુરાજી ઠાકોરે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, મંત્રી સ્વરૂપજી ઠાકોરે ટિકિટ ફાળવણીમાં પાયાના કાર્યકરોની અવગણના કરી છે. અમારી માંગણી હોવા છતાં ઈરાદાપૂર્વક ટિકિટ ન આપી કોંગ્રેસમાંથી આવેલા નવા ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે મંત્રીની આ જોહુકમીનું ભયંકર પરિણામ ભાજપે ભોગવવું પડશે.
ખોટા વચનો અને વિકાસના કામોનો અભાવ
આક્ષેપોની યાદીમાં ભુરાજીએ વધુમાં ઉમેર્યું કે, પેટાચૂંટણી વખતે મુખ્યમંત્રીની હાજરીમાં સ્વરૂપજી ઠાકોરે 13 ગામોને નર્મદાના પાણી આપવાનું વચન આપ્યું હતું, જે હજુ સુધી પૂરું થયું નથી. ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તાના કામો ઠપ્પ છે. મંત્રી લોકોને રોડ પહોળો થશે તેવા ખોટા વાયદા આપી ઉલ્લુ બનાવી રહ્યા છે.
જાગૃત થવા અપીલ
ભુરાજી ઠાકોરે મતદારો અને કાર્યકરોને અપીલ કરી છે કે ખોટા વચનો આપી પક્ષમાં પેસી જનારા આવા નેતાઓને પાઠ ભણાવવો જરૂરી છે. ચૂંટણીના પરિણામો પહેલા જ ઉઠેલા આ બગાવતી સૂર ભાજપ માટે ચિંતાનો વિષય બન્યા છે.
આ પણ વાંચો—- Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી