Mehsanaના ખેરાલુમાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ, રૂપેણ નદીમાં નવા નીર આવતાં બાલાપીર-મુક્તિધામ રોડ પર પાણી ફરી વળ્યા

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં સાડા ચાર ઈંચથી વધુ ભારે વરસાદ નોંધાયો છે. મુશળધાર વરસાદના પગલે ખેરાલુમાંથી પસાર થતી રૂપેણ નદીમાં નવા નીરની સપાટીમાં મોટો વધારો થયો છે. રૂપેણ નદીમાં પાણીની ભારે આવક થતાં નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર ફરી વળ્યા છે, જેના કારણે ખેરાલુ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે.

બાલાપીરથી મુક્તિધામ રોડ પર પાણી ભરાતાં લોકો પરેશાન

રૂપેણ નદીમાં આવેલા નવા નીરના કારણે શહેરના બાલાપીર વિસ્તારમાં આવેલા મુખ્ય રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે. બાલાપીરથી મુક્તિધામ તરફ જતો આખો રોડ જળમગ્ન થઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને શ્રદ્ધાળુઓ તથા રાહદારીઓને પણ અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

નગરપાલિકાના અણઘડ વહીવટ સામે આક્રોશ

આ સમસ્યા પાછળ સ્થાનિકો ખેરાલુ નગરપાલિકાની ઘોર બેદરકારી અને અણઘડ વહીવટને જવાબદાર ઠેરવી રહ્યા છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા રૂપેણ નદી પર જે આરસીસી (RCC) રોડ બનાવવામાં આવ્યો છે, તેના નીચે અત્યંત નાના ગરનાળા મૂકવામાં આવ્યા છે. ગરનાળા નાના હોવાને કારણે પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી અને પાણી રોડ પર ફરી વળે છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા આ બેદરકારી સુધારીને તાત્કાલિક ધોરણે રોડ નીચે મોટા ગરનાળા મૂકવામાં આવે જેથી કાયમી ધોરણે પાણીનો નિકાલ થઈ શકે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment