Vadodaraના સાવલીમાં ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી: કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ સામે સરકારે લાલ આંખ કરી છે. સાવલીના કનોડા મહી નદીના પટમાં ચાલી રહેલા મોટા પાયે ગેરકાયદેસર ખનન પર ખાણ-ખનીજ વિભાગ દ્વારા અચાનક ત્રાટકીને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલા આ દરોડાથી સમગ્ર પંથકના ભૂમાફિયાઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.

કરોડો રૂપિયાની કિંમતના વાહનો અને સાધનો કરાયા સીઝ

મહી નદીના પટમાં કાયદાના લીરેલીરા ઉડાડીને કુદરતી સંપત્તિની ચોરી કરવામાં આવી રહી હોવાની ચોક્કસ બાતમી ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડને મળી હતી. જેના આધારે ટીમે સવારે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ સફળ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા બ્રેકર મશીન, હિટાચી મશીન અને અનેક ટ્રકો સહિતનો કરોડો રૂપિયાનો મુદ્દામાલ ખાણ-ખનીજ વિભાગે જપ્ત કર્યો છે. હાલમાં તમામ સાધનો અને વાહનોને કબજે લઈને આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ડેમના કોન્ટ્રાક્ટર દ્વારા જ ગેરકાયદે ખનન થતું હોવાની આશંકા

આ દરોડા પાછળ એક ચોંકાવનારી વિગત પણ સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહી નદીમાં મહી વીઅર ડેમનું નિર્માણ કાર્ય કરી રહેલા સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા જ ડેમની આડમાં આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી. જો કે, આ મામલે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં હોવાથી અને મામલો હાઈપ્રોફાઈલ હોવાના કારણે ઉચ્ચ અધિકારીઓએ હાલ કેમેરા સામે કંઈ પણ બોલવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. આગામી સમયમાં એફઆઈઆર (FIR) નોંધાયા બાદ આ કૌભાંડની વધુ વિગતો બહાર આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment