Gandhinagar : ધો. 10-12ના માર્કશીટમાં નામ-જન્મતારીખ સુધારવા માટે કેમ્પ યોજાશે, પરિણામ પહેલાં ભૂલ સુધારવાની છેલ્લી તક

ગાંધીનગર જિલ્લાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા વિદ્યાર્થીઓના ડેટામાં રહેલી ક્ષતિઓ સુધારવા અંગે શાળાના આચાર્યોને એક ખાસ પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થાય તે પહેલાં વિદ્યાર્થીઓના નામ, અટક કે જન્મતારીખ જેવી વિગતોમાં કોઈ સુધારો હોય તો તે પૂર્ણ કરી લેવાની સુચના આપવામાં આવી છે.

પરિણામ પહેલાં જ સુધારાની પ્રક્રિયા

સામાન્ય રીતે માર્કશીટ આવી ગયા પછી સુધારા માટે વિદ્યાર્થીઓએ બોર્ડની કચેરીના ધક્કા ખાવા પડતા હોય છે. આ મુશ્કેલી નિવારવા માટે ગાંધીનગર DEO એ પહેલ કરી છે. આચાર્યોને સુચના આપવામાં આવી છે કે, શાળા કક્ષાએ જ ખાસ કેમ્પ યોજીને વિદ્યાર્થીઓની વિગતો ચકાસી લેવી. જો કોઈ વિદ્યાર્થીના નામ, પિતાનું નામ, અટક કે જન્મતારીખમાં ભૂલ હોય, તો પરિણામ જાહેર થયા પહેલાં તેને સુધારી શકાય તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો અને અરજી

જે વિદ્યાર્થીઓએ સુધારો કરાવવો હોય તેમણે જરૂરી આધાર-પુરાવા અને દસ્તાવેજો સાથે પોતાની શાળામાં અરજી કરવાની રહેશે. શાળાના આચાર્ય દ્વારા આ અરજીની ચકાસણી કરવામાં આવશે અને દસ્તાવેજો સાચા જણાયા બાદ જ અરજી સ્વીકારી આગળ મોકલવામાં આવશે. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓની ફાઈનલ માર્કશીટમાં સાચી વિગતો છપાઈને આવશે, જેથી ભવિષ્યમાં એડમિશન કે પાસપોર્ટ જેવી પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે.

આ પણ વાંચો—    Local Body Elections 2026 : ગરમીના યલો એલર્ટ વચ્ચે 26 એપ્રિલે ગુજરાતમાં જંગ, નેતાઓ અને ચૂંટણી પંચ મતદાન વધારવા મક્કમ

Rajkot News: ચૂંટણી પૂર્વે પોલીસનું સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, DCP ઝોન-1 દ્વારા રૂબરૂ નિરીક્ષણ

રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ એક્શન મોડમાં છે. ઝોન-1 ના ડીસીપી (DCP) દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં જાતે જઈને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં યોજાયેલા આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ મતદારોમાં સુરક્ષાનો ભાવ જગાડવાનો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત બનાવવાનો છે.

અસામાજિક તત્વો સામે લાલ આંખ

ચૂંટણીમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે તે માટે અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો સામે ખાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડીસીપી ઝોન-1 ની સૂચનાથી પોલીસ ટીમો દ્વારા સંવેદનશીલ ગણાતા પોકેટ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુનાહિત ભૂતકાળ ધરાવતા શખ્સોની ગતિવિધિઓ પર નજર રાખવાની સાથે તેમની અટકાયતી ધરપકડ કરવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે, જેથી મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની તૈયારી

રાજકોટ પોલીસ દ્વારા વિવિધ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થાનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ મથકો પર વધારાની પોલીસ કુમક અને જરૂર જણાયે પેરા-મિલિટરી ફોર્સની તૈનાતી અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ ડર કે ભય વગર મતદાન કરે અને જો કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Breaking News: સંજુની સદી બાદ નૂર-અકીલના સ્પિનનો જાદુ, ચેન્નાઈએ મુંબઈને 103 રનથી હરાવ્યું

Breaking News: સંજુની સદી બાદ નૂર-અકીલના સ્પિનનો જાદુ, ચેન્નાઈએ મુંબઈને 103 રનથી હરાવ્યું

IPL 2026 ના 33મા મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સને મોટા અંતરથી હરાવ્યું. મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ ચેન્નાઈની વિસ્ફોટક બેટિંગ અને પછી શાનદાર બોલિંગે મુંબઈનેને સંપૂર્ણપણે ચકનાચૂર કરી દીધું. CSK એ 20 ઓવરમાં 207 રનનો મજબૂત સ્કોર બનાવ્યો અને મુંબઈને 19 ઓવરમાં માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ સાથે, ચેન્નાઈએ 103 રનથી જીત મેળવી. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની આ ત્રીજી જીત છે.

સંજુ સેમસનની વિસ્ફોટક સદી

ચેન્નાઈની ઇનિંગનો હીરો સંજુ સેમસન હતો. તેણે માત્ર 54 બોલમાં અણનમ 101 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 187 થી વધુ હતો. સંજુએ શાનદાર શોટ્સ રમ્યા અને મુંબઈના બોલરોને ધોઈ નાખ્યા. ઋતુરાજ ગાયકવાડે 22 રન, ડેવાલ્ડ બ્રેવિસે 21 રન અને કાર્તિક શર્માએ 18 રન બનાવ્યા. ટીમે પાવરપ્લેમાં ઝડપી શરૂઆત કરી અને વચ્ચેની ઓવરોમાં રન રેટ જાળવી રાખ્યો, જેના કારણે CSK 207 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું.

 

મુંબઈની ખરાબ બેટિંગ

આ મોટા લક્ષ્યના જવાબમાં, મુંબઈની શરૂઆત ખરાબ રહી. પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. તિલક વર્માએ 37 રન અને સૂર્યકુમાર યાદવે 35 રન બનાવ્યા, પરંતુ બંને સિવાય કોઈ પણ બેટ્સમેન ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં. પરિણામે, ટીમ 19 ઓવરમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

 

હુસૈન –અહેમદની જોરદાર બોલિંગ

ચેન્નાઈની બોલિંગમાં અકીલ હુસૈન અને નૂર અહેમદનો દબદબો રહ્યો. હુસૈને ચાર ઓવરમાં માત્ર 17 રન આપીને ચાર વિકેટ લીધી. તેના ઘાતક સ્પિનથી મુંબઈની બેટિંગ સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ. નૂર અહેમદે પણ બે વિકેટ લીધી. મુકેશ ચૌધરી, અંશુલ કંબોજ, જેમી ઓવરટન અને ગુર્જપનીત સિંહે એક-એક વિકેટ લીધી.

Breaking News: પાકિસ્તાની મૂળના ખેલાડીની IPL 2026 માં એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સનો ચોંકાવનારો નિર્ણય

Surat : ઓલપાડમાં નજીવી બાબતે વૃદ્ધની પીવીસી પાઈપના ફટકા મારી હત્યા, ગામના ચોરા પાસે જ ખેલાયો ખૂની ખેલ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વેલુક ગામે એક વૃદ્ધની કરપીણ હત્યાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. ગામના ચોરા પાસે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મનહર પટેલ નામના વૃદ્ધ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

પીવીસી પાઈપ વડે હુમલો

મળતી માહિતી મુજબ, મનહર પટેલ જ્યારે ગામના ચોરા પાસે હાજર હતા, ત્યારે કોઈ અગમ્ય કારણોસર થયેલી તકરારમાં શખ્સોએ ઉશ્કેરાઈને પીવીસી પાઈપ વડે તેમના પર હુમલો કર્યો હતો. પાઈપના આડેધડ ફટકા વાગવાથી મનહર પટેલને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઓલપાડ પોલીસે હાથ ધરી તપાસ

ગામના મધ્યમાં જ વૃદ્ધની હત્યાની ઘટના બનતા ગ્રામજનોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ ઓલપાડ પોલીસનો કાફલો વેલુક ગામે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હુમલો કોણે અને કયા કારણોસર કર્યો તે દિશામાં પોલીસે શકમંદોની પૂછપરછ શરૂ કરી છે. 

આ પણ વાંચો—     Ahmedabadમાં ગાયના શુદ્ધ ઘી ના નામે વેચાતા ઝેરનો પર્દાફાશ, 400 કિલો નકલી ઘી નો જથ્થો જપ્ત

Anand : ઉમરેઠ-ડાકોર હાઈવે પર કાળમુખા વાહને બાઈકને લીધું હડફેટે, બાઈકસવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

આણંદ જિલ્લાના ઉમરેઠ-ડાકોર રોડ પર આજે રાત્રે એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. ઉમરેઠ-ડાકોર રોડ પર આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને બાઈકસવારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

અજાણ્યો ચાલક ફરાર

અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યા વાહનનો ચાલક માનવતા નેવે મૂકીને પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે રસ્તા પરથી પસાર થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ ‘હિટ એન્ડ રન’નો કેસ હોવાનું જણાઈ રહ્યું છે.

ઉમરેઠ પોલીસે તપાસ તેજ કરી

ઘટનાની જાણ થતા જ ઉમરેઠ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

આ પણ વાંચો—-     Ahmedabadમાં ગાયના શુદ્ધ ઘી ના નામે વેચાતા ઝેરનો પર્દાફાશ, 400 કિલો નકલી ઘી નો જથ્થો જપ્ત

Local Body Elections 2026: “તમને લાફો મારી માફી માંગું તો ચાલે?” અમદાવાદના અસારવામાં કોંગ્રેસ નેતાઓને મતદારોએ રગદોળ્યા!

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે નેતાઓ માટે જનતા વચ્ચે જવું હવે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં એક સોસાયટીની સભા દરમિયાન કોંગ્રેસના સ્થાનિક નેતાઓને મતદારોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને કરવામાં આવેલા વિવાદિત નિવેદનનો પડઘો અહીં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

“લાફો મારીને માફી માંગું તો ચાલે?” – મતદારોનો વેધક સવાલ

અસારવાની એક સોસાયટીમાં જ્યારે કોંગ્રેસના નેતાઓ પ્રચાર અર્થે સભા કરી રહ્યા હતા, ત્યારે સ્થાનિક રહીશોએ તેમને અટકાવીને સવાલોનો મારો ચલાવ્યો હતો. મતદારોએ પૂછ્યું હતું કે, તમે વર્ષોથી ગુજરાતમાં રહીને રાજકારણ કરો છો, તો તમારા નેતા ખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ કેમ કહ્યા? શું આ ગુજરાતનું અપમાન નથી?

…તો શું એ તમને ચાલશે?

સ્થિતિ વણસતી જોઈને કોંગ્રેસ નેતાએ બચાવ કરવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે, તેમણે (ખડગેએ) આ બાબતે માફી માંગી લીધી છે. જોકે, આ સાંભળીને એક મતદાર વધુ રોષે ભરાયો હતો અને વળતો સવાલ કર્યો હતો કે, જો હું તમને જાહેરમાં લાફો મારી દઉં અને પછી માફી માંગી લઉં, તો શું એ તમને ચાલશે? મતદારના આ વેધક સવાલે કોંગ્રેસના નેતાઓને નિરુત્તર કરી દીધા હતા.

શું હતો સમગ્ર વિવાદ?

તાજેતરમાં કેરળમાં એક ચૂંટણી રેલી દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કેરળના મતદારોની સરખામણી ગુજરાત સાથે કરતા વિવાદિત ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કથિત રીતે ગુજરાતીઓને ‘ઓછા ભણેલા’ અથવા ‘અભણ’ કહ્યા હોવાનો આક્ષેપ થયો હતો. જોકે, ભારે વિરોધ બાદ ખડગેએ સ્પષ્ટતા કરી હતી કે, તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે, અને તેમણે ખેદ પણ વ્યક્ત કર્યો હતો, પરંતુ ગુજરાતની જનતામાં હજુ પણ આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

https://x.com/sandeshnews/status/2047206862517596236

અસારવાની આ ઘટના સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે, જે દર્શાવે છે કે, આગામી દિવસોમાં કોંગ્રેસ માટે ગુજરાતના મતદારોને રિઝવવા મુશ્કેલ બની શકે છે.

આ પણ વાંચો – Local body election: રાજકોટ મનપા અને જિલ્લા પંચાયતમાં 800 મતદાન મથક સંવેદનશીલ

Ahmedabad: જુહાપુરામાં ઇન્સ્ટા સ્ટોરી બાબતે યુવકની કરપીણ હત્યા, વાત કરવા બોલાવી છરી-પથ્થરથી ખેલાયો મોતનો ખેલ

શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. 24 કલાકમાં જ હત્યાની બીજી ઘટના સામે આવતા સનસનાટી મચી ગઈ છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી આયશા મસ્જિદ પાસે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા જેવી સામાન્ય બાબતે મોહમદ સાલીક શેખ નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી છે.

અમદાવાદના જુહાપુરામાં મર્ડર

મળતી માહિતી મુજબ, આરોપીઓએ મોહમદ સાલીક શેખને વાત કરવાના બહાને આયશા મસ્જિદ પાસે બોલાવ્યો હતો. સાલીક તેના મિત્ર સાથે ત્યાં પહોંચતા જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ૩ શખ્સોએ તેમના પર છરી અને પથ્થરો વડે તૂટી પડ્યા હતા. આ હુમલામાં સાલીકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું.

પોલીસ તપાસ

વેજલપુર પોલીસને ઘટનાની જાણ થતા જ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું કારણ ઇન્સ્ટાગ્રામ પર મુકાયેલી કોઈ સ્ટોરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી ફરાર થઈ ગયેલા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:Amreli: બગસરામાં ટેકાના ભાવે ખરીદીનો ધમધમાટ, ચણાની સાથે હવે રાયડાની ખરીદી પણ શરૂ


Breaking News: ખેડામાં નકલી મતદાન મથક ઉભુ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસ ઉમેદવાર ચિરાગ પરીખે લગાવ્યો આરોપ, જુઓ Video

Breaking News: ખેડામાં નકલી મતદાન મથક ઉભુ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસ ઉમેદવાર ચિરાગ પરીખે લગાવ્યો આરોપ, જુઓ Video

ખેડા જિલ્લામાં મતદાન પ્રક્રિયા અંગે વિવાદ ઊભો થયો છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પરીખે નકલી મતદાન મથક ઉભું કરાયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.ચિરાગ પરીખના જણાવ્યા અનુસાર પોસ્ટલ બેલેટ મતદાન દરમિયાન ગેરરીતિ કરવામાં આવી હતી.

 નકલી મતદાન મથક ઊભુ કર્યાનો આરોપ

કોંગ્રેસ ઉમેદવારે આરોપ લગાવ્યો કે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની કચેરીમાં બિનઅધિકૃત રીતે મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. વધુમાં, તેમણે દાવો કર્યો કે ત્યાં પુઠાની મત પેટી પણ બનાવવામાં આવી હતી, જે સત્તાવાર પ્રક્રિયાનો ભાગ નથી.

ચૂંટણીના નિયમોનો ભંગ કર્યાનો આરોપ

કોંગ્રેસ ઉમેદવારે આક્ષેપ કરતા કહ્યું કે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રણવ સાગરે પોતાનાં સ્તરે મતદાનની વ્યવસ્થા ઉભી કરી, જે ચૂંટણીના નિયમોનો ભંગ છે. આ મુદ્દે કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી અધિકારીને સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.

આ તરફ, ચૂંટણી અધિકારીઓએ મામલો ધ્યાનમાં લીધો હોવાની માહિતી મળી રહી છે. તેઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવશે તેવી શક્યતા છે. જો આક્ષેપો સાચા સાબિત થાય, તો સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

રાજકીય આરોપ-પ્રત્યારોપનો માહોલ ગરમાયો

હાલમાં આ સમગ્ર મુદ્દો જિલ્લામાં રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે અને આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે. આ સમગ્ર મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય આરોપ-પ્રત્યારોપનો માહોલ ગરમાયો છે. કોંગ્રેસે આ ઘટનાને લોકશાહી માટે ગંભીર ખતરો ગણાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જ્યારે ભાજપના સ્થાનિક નેતાઓએ આ આક્ષેપોને બિનઆધારિત ગણાવી નકારી કાઢ્યા છે. જિલ્લા સ્તરે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા થતાં, હવે ઉચ્ચ અધિકારીઓ તરફથી સ્પષ્ટતા અને ઝડપી તપાસની માંગ ઉઠી રહી છે.

Breaking News : ગુજરાતીઓ સાવધાન! 149 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટશે? અંબાલાલ પટેલની ભયાનક આગાહી, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Local Body Election 2026 : નડિયાદમાં ચૂંટણી વિભાગની ગંભીર બેદરકારી, બેલેટ પેપરમાં ઉમેદવારનું નિશાન છાપવાનું જ ભૂલી ગયા

નડિયાદ શહેરમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેને કારણે મતદાન વ્યવસ્થાની પારદર્શિતા પર સવાલો ઊભા થયા છે. માહિતી મુજબ, વોર્ડ નંબર 4 માટે તૈયાર કરાયેલા બેલેટ પેપરમાં એક અપક્ષ ઉમેદવારનું ચૂંટણી ચિન્હ છાપવાનું જ રહી ગયું હતું, છતાં આ બેલેટ પેપરો મતદારોમાં વહેંચી દેવામાં આવ્યા હતા.

મતદારોમાં ગુંચવણ ઉભી થઈ

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મતદારો અને ઉમેદવારના સમર્થકોએ બેલેટ પેપર તપાસ્યા. તેમાં ઉમેદવારનું નામ તો હતું, પરંતુ તેના સામે ચૂંટણી ચિન્હ નહોતું, જેના કારણે મતદારોમાં ગુંચવણ ઉભી થઈ હતી. ખાસ કરીને ગ્રામ્ય અને ઓછા શિક્ષિત મતદારો માટે ચૂંટણી ચિન્હ ખૂબ જ મહત્વનું હોય છે, ત્યારે આ પ્રકારની ભૂલ ગંભીર ગણાય છે. માહિતી અનુસાર, વોર્ડ નંબર 4માં કુલ 66 મતદારો બેલેટ પેપર દ્વારા મતદાન કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ ભૂલ મતદાનના પરિણામને પણ અસર કરી શકે છે. સ્થાનિક સ્તરે આ મામલે અસંતોષ જોવા મળી રહ્યો છે અને કેટલાક લોકોએ ફરીથી બેલેટ પેપર છાપવાની માંગ પણ ઉઠાવી છે.

આવી ગંભીર ભૂલ કેવી રીતે થઈ તે તપાસનો વિષય?

આ સમગ્ર ઘટનાને લઈને ચૂંટણી વિભાગની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે. સામાન્ય રીતે બેલેટ પેપર છાપતા પહેલા અનેક તબક્કે ચકાસણી કરવામાં આવે છે, છતાં આવી ગંભીર ભૂલ કેવી રીતે થઈ તે તપાસનો વિષય બન્યો છે. આ મામલે ચૂંટણી અધિકારીએ મીડિયાને કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું છે, જેનાથી શંકાઓ વધુ ગાઢ બની છે. હાલ આ મુદ્દે અધિકારીઓ આંતરિક તપાસ હાથ ધરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાએ ચૂંટણી પ્રક્રિયામાં વધુ સાવચેતી અને જવાબદારીની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે, જેથી મતદારોનો વિશ્વાસ જળવાઈ રહે.

આ પણ વાંચો : Umreth Assembly By-Poll 2026 : આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન, 2.45 લાખ મતદારો 6 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે